<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

દાઝી જવાના બનાવમાં દર્દીઓ માટે હવે મુંદ્રામાં જ મળશે અદ્યતન સારવાર: અદાણી હોસ્પિટલ્સમાં પ્રથમ બર્ન વોર્ડનો પ્રારંભ

અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહના હસ્તે ઉદ્ઘાટન; સમયસર સારવાર, વિશિષ્ટ સંભાળ અને દર્દીઓના પરિવારજનોની મુશ્કેલીઓ ઘટાડવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૮ : કચ્છના મુંદ્રા તાલુકામાં આરોગ્ય સેવાઓમાં મહત્ત્વપૂર્ણ ઉમેરો થયો છે. અદાણી હોસ્પિટલ્સ, મુંદ્રા ખાતે તાલુકાના પ્રથમ સમર્પિત અને અદ્યતન બર્ન વોર્ડ યુનિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી રક્ષિત શાહના હસ્તે યોજાયેલા ઉદ્ઘાટન પ્રસંગે અદાણી વિલ્મર લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી શરદ શર્મા તથા હેલ્થકેર પ્રોજેક્ટ્સનાં એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી નેહા લાલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ સવારે ૯ વાગ્યે પૂજાવિધિથી થયો હતો, જ્યારે સવારે ૧૦ વાગ્યે યુનિટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. દાઝી જવાના ગંભીર કિસ્સાઓમાં સમયસર સારવાર અને સતત તબીબી દેખરેખ અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે. અત્યાર સુધી વિશિષ્ટ બર્ન કેર માટે દૂરના શહેરોમાં જવાની જરૂરિયાત ઊભી થઈ શકે તેવા સંજોગોમાં મુંદ્રામાં આ સુવિધાની શરૂઆત દર્દીઓ અને તેમના પરિવારજનો માટે રાહતરૂપ બનશે. સ્થાનિક સ્તરે સારવાર ઉપલબ્ધ થવાથી મુસાફરીમાં લાગતો સમય અને તેની સાથે સંકળાયેલી મુશ્કેલીઓ ઘટાડવામાં મદદ મળશે.

આ અદ્યતન યુનિટનો મુખ્ય ઉદ્દેશ દાઝી જવાના દર્દીઓને સારવારથી લઈને સાજા થવાની પ્રક્રિયા સુધી જરૂરી તબીબી દેખરેખ અને વિશિષ્ટ સંભાળ પૂરી પાડવાનો છે. મુંદ્રા તથા આસપાસના વિસ્તારોમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસેવાઓ વધુ સુલભ બનાવવાની દિશામાં આ પહેલ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

અદાણી હોસ્પિટલ્સ વર્ષ ૨૦૧૮થી મુંદ્રા મધ્યે ગુણવત્તાયુક્ત, સુલભ અને દર્દીકેન્દ્રિત આરોગ્યસેવાઓ પૂરી પાડવા કાર્યરત છે. બર્ન વોર્ડ યુનિટનો ઉમેરો આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવશે અને સ્થાનિક સ્તરે વિશિષ્ટ સારવારની ઉપલબ્ધતા વધારશે.

(9:25 AM IST)