<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

બુદ્ધગયા મહાબોધિ મહાવિહાર મુક્તિ આંદોલનના સમર્થનમાં જામનગરમાં બૌદ્ધ સમાજના ધરણા : બિહાર સરકાર પાસે વિહાર બૌદ્ધોને સોંપવાની માંગ

ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમના આહ્વાન પર જામનગર બૌદ્ધ સમાજ દ્વારા એક દિવસીય ધરણા કાર્યક્રમ : 500 દિવસથી ચાલતા આંદોલનને ટેકો, પ્રમુખ મિલિન્દ મકવાણાની આગેવાનીમાં ઉપાસક-ઉપાસિકાઓ જોડાયા, સૌરાષ્ટ્રના બૌદ્ધ ભિક્ષુ પથિક શ્રીની વિશેષ ઉપસ્થિતિ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર : બિહારના બુદ્ધગયા સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાબોધિ મહાવિહારને મુક્ત કરાવવાના આંદોલનના સમર્થનમાં જામનગર બૌદ્ધ સમાજ દ્વારા શહેરમાં એક દિવસીય ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

 

બૌદ્ધ સમાજ, જામનગર દ્વારા જારી કરાયેલી પ્રેસનોટ મુજબ, ઓલ ઈન્ડિયા બુદ્ધિસ્ટ ફોરમ (AIBF) ના બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા બુદ્ધગયા મુક્તિ આંદોલન છેલ્લા 500 દિવસથી શાંત અને અહિંસક રીતે ચલાવવામાં આવી રહ્યું છે. ભગવાન બુદ્ધને જ્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું તે ઐતિહાસિક મહાબોધિ મહાવિહાર દેશ-વિદેશના બૌદ્ધોનું એકમાત્ર આસ્થા અને શ્રદ્ધાનું પવિત્ર કેન્દ્ર છે. હાલ આ મહાવિહારનો કબજો બિન બૌદ્ધો અને સરકારના કબજામાં હોવાથી બિહાર સરકારે તે બૌદ્ધોને સોંપી દેવો જોઈએ તેવી માંગ સાથે આંદોલન ચાલી રહ્યું છે.

 

AIBF ના રાષ્ટ્રવ્યાપી એક દિવસના ધરણાના એલાનને માન આપીને બૌદ્ધ સમાજ, જામનગરના પ્રમુખ મિલિન્દ મકવાણાની આગેવાની હેઠળ તા. 26/06/2026 ના રોજ જામનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના બૌદ્ધ ભિક્ષુ પથિક શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે બુદ્ધગયા મહાબોધિ મહાવિહાર તાત્કાલિક બિહાર સરકારે બૌદ્ધોને સોંપી આપવું જોઈએ.

 

આ ધરણા કાર્યક્રમમાં મનજીભાઈ મકવાણા, મેઘજીભાઈ સીંગરખિયા, ડી.કે. સુરડીયા, ભરત પારધી, હરિશભાઈ વાઘેલા, પ્રહલાદ ડોંગરે, કિરણ મકવાણા, પોપટભાઈ ચૌહાણ, મનસુખ સાદિયા, વિજ્યાબેન બૌદ્ધ, સોનલબેન પરમાર, હસ્મિતાબેન મકવાણા તથા આસિસ્ટન્ટ પ્રોફેસર પાયલબેન બૌદ્ધ સહિત મોટી સંખ્યામાં બૌદ્ધ ઉપાસક-ઉપાસિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:37 PM IST)