<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સમઢીયાળા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા બોનસ વિતરણ કાર્યક્રમ યોજાયો : સભાસદોને ૪.૭૦ લાખ રૂપિયાના નફાની કરાઈ વહેંચણી

સર્વોત્તમ ડેરીના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વધુ દૂધ આપનાર પશુપાલકોનું કરાયું વિશેષ સન્માન : આધુનિક પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂકાયો

તળાજા : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સમઢીયાળા મુકામે આવેલી સમઢીયાળા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા તાજેતરમાં તારીખ ૨૮ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ એક વિશેષ અને ભવ્ય બોનસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સહકારી કાર્યક્રમમાં દૂધ મંડળી સાથે સંકળાયેલા સભાસદો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી તેમજ ડેરીના જનરલ મેનેજર, સિનિયર મેનેજર, મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઈઝર અને વ્યવસ્થાપક કમિટીના સભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મંડળી દ્વારા વર્ષ દરમિયાન દૂધ ભરતા તમામ સભાસદોને કુલ રૂપિયા ૪.૭૦ લાખનો નફો બોનસના સ્વરૂપમાં વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંડળીમાં સૌથી વધુ દૂધ આપનાર પ્રથમ ૧ થી ૧૦ ક્રમાંક ધરાવતા ઉત્સાહી પશુપાલકોને સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન અને સ્થાપક મેનેજિંગ ડિરેક્ટરના વરદ્ હસ્તે બોનસના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તમામ દૂધ ઉત્પાદકોને તેમના દૂધના પ્રમાણમાં માતબર રકમ ચૂકવવામાં આવતા સભાસદોમાં ભારે આનંદ અને હર્ષની લાગણી ફેલાઈ ગઈ હતી.

કાર્યક્રમના અંતે સભાને સંબોધતા સર્વોત્તમ ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવીને પશુપાલન કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે દૂધ મંડળીના માધ્યમથી ગામડાનો સર્વાંગી વિકાસ કરવા પર ભાર મૂક્યો હતો અને જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ જૈવિક આનુવાંશિક ક્રાંતિ લાવવા માટે હાકલ કરી હતી. સાથેસાથે તેમણે સર્વોત્તમ ડેરીના માધ્યમથી ટૂંકાગાળામાં થયેલી પાંચ મુખ્ય ક્રાંતિઓ જેવી કે શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આનુવાંશિક ક્રાંતિ અને આરોગ્ય ક્રાંતિ વિશે સવિસ્તર માહિતી આપી હતી.

આ પ્રસંગે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે ગાય આધારિત ઝીરો બજેટ અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને રાસાયણિક દવાઓના આડેધડ છંટકાવને કારણે ખેતી ખર્ચાળ બની ગઈ છે, ત્યારે તેના વિકલ્પરૂપે પશુપાલન વ્યવસાય ઓછો ખર્ચાળ હોવાની સાથે વધુ નફો અપાવનાર સાબિત થઈ રહ્યો છે, જેથી વધુમાં વધુ ખેડૂતો પશુપાલન અપનાવીને આર્થિક સમૃદ્ધિ મેળવે તેવી પ્રેરણા આપી હતી. તેમજ સમઢીયાળા દૂધ મંડળીએ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરી માતબર નફો કમાવવા બદલ મંડળીના હોદ્દેદારો અને તમામ સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર આયોજન અને સભાનું સફળ સંચાલન સિનિયર મેનેજર કે.ડી. બારૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)

(8:15 PM IST)