તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
ઈશ્વરિયા પાસે ખાણમાં ડૂબેલા આંબલાના યુવાનનો ૨૪ કલાક બાદ મૃતદેહ મળ્યો : બે દિવસની ભારે જહેમત બાદ મળ્યો મૃતદેહ
ભેખડ પરથી પાણીમાં કૂદકો માર્યા બાદ ૩૫ વર્ષીય હરેશભાઈ ડાભી ઊંડા પાણીમાં ગરકાવ થયા હતા : ભાવનગર અને સિહોરની આપાતકાલીન ટુકડીઓએ બોટ અને આધુનિક ઉપકરણો વડે શોધી કાઢ્યો મૃતદેહ

ઈશ્વરિયા: સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામ પાસે આવેલી ખાણમાં ડૂબી ગયેલા આંબલા ગામના યુવાનની ૨૪ કલાકથી ચાલતી શોધખોળનો અંત આવ્યો છે. સોમવારે બપોરે ન્હાવા પડેલા ૩૫ વર્ષીય પરણિત યુવક હરેશભાઈ ડાભીનો મૃતદેહ આજે મંગળવારે સવારે ભાવનગર અને સિહોરની બચાવ ટુકડીઓએ ભારે જહેમત બાદ શોધી કાઢ્યો છે. આ દુર્ઘટનાને પગલે આંબલા અને ઈશ્વરિયા પંથકમાં ઘેરો શોક છવાઈ ગયો છે.
ભેખડ પરથી કૂદકો મારવો જીવલેણ સાબિત થયો:
ઘટનાની વિગત મુજબ, સોમવારે બપોરે આંબલા ગામના યુવાનોનું ટોળું ઈશ્વરિયાના ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી ખાણના પાણીમાં ન્હાવા માટે ગયું હતું. આ દરમિયાન હરેશભાઈ ડાભી નામના યુવકે ઉપર આવેલી ભેખડ પરથી પાણીમાં કૂદકો માર્યો હતો, પરંતુ કૂદકો માર્યા બાદ તેઓ બહાર આવી શક્યા નહોતા અને ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. સોમવારે સાંજ સુધી ચાલેલી તપાસમાં કોઈ ભાળ મળી ન હતી.
બે દિવસની જહેમત બાદ સફળતા મળી:
આજે મંગળવારે વહેલી સવારથી જ ભાવનગર મહાનગરપાલિકાની અગ્નિશમન અને આપાતકાલીન બચાવ ટુકડીએ આધુનિક ઉપકરણો અને નાવ (બોટ) સાથે સર્ચ ઓપરેશન ફરી શરૂ કર્યું હતું. મામલતદાર સતીશભાઈ જાબુચા અને તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓની દેખરેખ હેઠળ ચાલેલી આ કામગીરીમાં અંતે હરેશભાઈનો મૃતદેહ હાથ લાગ્યો હતો. તંત્ર દ્વારા જરૂરી પંચનામાની વિધિ પૂર્ણ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ સહિતની આગળની કાર્યવાહી માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો છે.
ખુલ્લી ખાણો સામે સ્થાનિકોમાં રોષ:
ઈશ્વરપુર વિસ્તારમાં આવેલી આ ખાણોમાં પાણી ભરાવાના કારણે અગાઉ પણ અનેક જીવલેણ દુર્ઘટનાઓ સર્જાઈ ચૂકી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ જોખમી ખાણો બાબતે કોઈ કાયમી ઉકેલ લાવવામાં ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનોએ આવી જીવલેણ દુર્ઘટનાઓ અટકાવવા માટે ખાણોની આસપાસ ફેન્સિંગ કરવા અથવા યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા ઉગ્ર માંગ કરી છે. આ બચાવ કામગીરીમાં ઈશ્વરિયા અને આસપાસના ગામના કાર્યકરો તથા આગેવાનોએ પણ વહીવટી તંત્રને સાથ આપ્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
