News of Sunday, 19th April 2026
મોરબીના ઘૂટું ગામની સીમમાં સિક્યુરિટી ગાર્ડ પર ચાર શખ્સોનો લોહિયાળ હુમલો: પૂછ્યા વગર અંદર પ્રવેશવાની ના પાડતા ધારદાર પતરાના ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી નાખ્યા
ગેરકાયદેસર રીતે કારખાનામાં ઘૂસતા અટકાવનાર રક્ષક પર જ ત્રાટક્યા ભક્ષક બનીને આવેલા ચાર શખ્સો, હોલો સેનેટરીના ગેટ પર લોહીની નદીઓ વહી અને ગંભીર રીતે ઘવાયેલા ગાર્ડને હોસ્પિટલના બિછાને ખસેડાયો, પોલીસે હત્યારા માનસ ધરાવતા ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી પકડવા ચક્રો ગતિમાન કર્યા

મોરબી: ઔદ્યોગિક હબ ગણાતા મોરબીના ઘૂટું રોડ પર આવેલી હોલો સેનેટરી ફેક્ટરીના ગેટ પર લોહિયાળ જંગ ખેલાયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. મૂળ ધ્રોલના અને હાલ ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા ૪૫ વર્ષીય અરવિંદભાઈ રામાવત પર ચાર શખ્સોએ જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત મુજબ, જ્યારે અરવિંદભાઈ પોતાની ફરજ પર હતા ત્યારે આરોપી નવાજ, શેરમામદ અને ફૈઝાન બાઈક લઈને ફેક્ટરીના ગ્રાઉન્ડમાં જબરદસ્તી ઘૂસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગાર્ડે નિયમ મુજબ પૂછ્યા વગર અંદર જવાની ના પાડતા, ગેટ પાસે પહેલેથી હાજર માનવ કાથરાણી સહિતના ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ગાર્ડ પર તૂટી પડ્યા હતા.
હુમલો એટલો ભયાનક હતો કે આરોપી માનવ કાથરાણીએ પોતાના ખિસ્સામાંથી લાપી ભરવાનું અત્યંત ધારદાર પતરું કાઢીને સીધું જ અરવિંદભાઈના પેટના ભાગે ઝીંકી દીધું હતું. આ જીવલેણ ઘાને કારણે ગાર્ડને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. આટલેથી જ ન અટકતા, અન્ય આરોપીઓએ પણ ગાર્ડને ઢીકાપાટુંનો બેફામ માર મારી, ગંદી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટ્યા હતા. ફેક્ટરીના અન્ય કામદારો દોડી આવતા ઈજાગ્રસ્ત ગાર્ડને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓ માનવ કાથરાણી, નવાજ કટિયા, શેરમામદ કટિયા અને ફૈઝાન મોવર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફેક્ટરીઓમાં સુરક્ષા માટે તૈનાત ગાર્ડ પર જ આ પ્રકારે સરાજાહેર હુમલો થવાની ઘટનાએ ઉદ્યોગ જગતમાં સુરક્ષાના મુદ્દે ચિંતા જન્માવી છે. પોલીસે ઘટનાસ્થળના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે આરોપીઓને ઝડપી લેવા અલગ-અલગ ટીમો બનાવી દરોડા પાડવાનું શરૂ કર્યું છે. કાયદાનો ડર રાખ્યા વિના જીવલેણ હથિયારો સાથે ફરતા આવા તત્વો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે.
(4:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
