<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભાવનગરમાં ઝૂંપડપટ્ટીમાં સ્‍પ્રેની બોટલ તોડતા જ બ્‍લાસ્‍ટથી આગઃ એક જ પરિવારના આઠ સભ્‍યો દાઝ્‍યાઃ ૩ની હાલત ગંભીર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૪: શહેરના  કુંભારવાડાની મીનની ચાલી વિસ્‍તારમાં સિંહા કોલોની પાસે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને પેઢી દર પેઢી ભંગાર વીણી, તેને તોડીને વેચાણ કરવાનો વ્‍યવસાય કરતા દિલીપભાઈ લાલજીભાઈ ચીભડીયા પોતાના ઝૂંપડામાં ‘‘બિલોંગ'' સહિતની અન્‍ય કંપનીઓની બોડી ડીઓડરન્‍ટ સ્‍પ્રેની બોટલો તોડી રહ્યા હતા. ઝૂંપડામાં અસંખ્‍ય ખાલી અને ભરેલી બોટલો પડેલી હતી. દરમિયાન અચાનક એક બોટલમાં પ્રચંડ બ્‍લાસ્‍ટ થતાં નજીકમાં પડેલી અન્‍ય બોટલો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી.

એક પછી એક બોટલોમાં ધડાકા થતાં ઝૂંપડામાં આગની જ્‍વાળાઓ ચારેબાજુ ફેલાઈ ગઈ હતી. બ્‍લાસ્‍ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ એકથી દોઢ કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. આસપાસના વિસ્‍તારમાં આગની જ્‍વાળાઓ ફેલાતાં સ્‍થાનિક રહીશોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તાત્‍કાલિક બચાવ કામગીરી માટે દોડી આવ્‍યા હતા. ઝૂંપડામાં ભરેલા પાણીના ટીપડામાંથી ડોલ ભરી ભરીને સ્‍થાનિકોએ ઝૂંપડા તેમજ આસપાસ લાગેલી આગ પર અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

બનાવની જાણ થતાં પોલીસ, ફાયર ફાઈટર અને ૧૦૮ની ટીમો ઘટનાસ્‍થળે દોડી આવી હતી. જોકે, સાંકડી ગલીઓના કારણે ફાયર ફાઈટર સમયસર ઘટનાસ્‍થળે પહોંચી ન શકતાં સ્‍થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્‍યો હતો.

સ્‍થાનિકોએ આગમાં ફસાયેલા લોકોને બહાર કાઢી તાત્‍કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્‍પિટલ ખાતે ખસેડ્‍યા હતા. હોસ્‍પિટલ ખસેડાયેલા આઠ ઈજાગ્રસ્‍તો પૈકી ત્રણ લોકોની હાલત અતિ ગંભીર હોવાનું જણાવાયું છે.

ઈજાગ્રસ્‍ત થયેલા પરિવારના સભ્‍યો  દિલીપભાઈ લાલજીભાઈ ચીભડીયા (ઉ.વ. ૩૫), કંચનબેન દિલીપભાઈ ચીભડીયા (ઉ.વ. ૨૯), કાનાભાઈ દિલીપભાઈ ચીભડીયા (ઉ.વ. ૫), નિહારભાઈ દિલીપભાઈ ચીભડીયા (ઉ.વ. ૫), નંદનીબેન કિશનભાઈ ચીભડીયા (ઉ.વ. ૧૨), રોહિતભાઈ કિશનભાઈ ચીભડીયા (ઉ.વ. ૧૩),  સોહિલભાઈ વલ્લભભાઈ મેરીયા (ઉ.વ. ૨૮), અમળતાબેન ઉર્ફે કમુબેન સોહિલભાઈ મેરીયા (ઉ.વ. ૨૭) છે

(11:43 AM IST)