<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

સુત્રાપાડા પાલિકાની ચૂંટણીમાં મતદાન પૂર્વે જ ભાજપનો વિજયધ્‍વજ લહેરાયો, ૨૪માંથી ૨ બેઠકો બિનહરીફ

વોર્ડ નં.૫માં કોંગ્રેસના એક ઉમેદવારનું ફોર્મ રદ, બીજાએ ફોર્મ પાછું ખેંચતા ભાજપના બે ઉમેદવારો વિજેતા, શહેર પ્રમુખ સુરસિહભાઈ મોરીએ કહ્યું બાકીની ૨૨ બેઠકો પર પણ રેકોર્ડબ્રેક બહુમતી મેળવીશું

(રામસિંહ મોરી દ્વારા) સુત્રાપાડા, તા.૧૬: સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સુત્રાપાડા નગરપાલિકાની વર્ષ ૨૦૨૬ની ચૂંટણીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્‍યો છે. મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ વિજયી શરૂઆત કરી દીધી છે. ભાજપના સચોટ સંગઠન અને રણનીતિના પરિણામે પાલિકાની કુલ ૨૪ બેઠકો પૈકી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે.

ચૂંટણીના જંગમાં વોર્ડનં.૫માં કોંગ્રેસના ઉમેદવાર સોલંકી રતનબેન કાનાભાઈનું ફોર્મ રદ થયું હતું. જ્‍યારે બીજા કોંગ્રેસના ઉમેદવાર કાળાભાઈ રાવળીયાએ અંતિમ દિવસે ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના બે ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્‍યા છે. આ જીત સાથે જ ભાજપે વિરોધ પક્ષો પર માનસિક સરસાઈ મેળવી લીધી છે અને કાર્યકરોમાં ભારે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

આ ભવ્‍ય સફળતા પાછળ ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને સુત્રાપાડાના અગ્રણી જશાભાઈ બારડનું કુશળ માર્ગદર્શન અને આશીર્વાદ તેમજ શહેર ભાજપ પ્રમુખ સુરસિહભાઈ મોરી અને શહેર સંગઠનની સચોટ રણનીતિ મુખ્‍ય કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

સફળતા બાદ આત્‍મવિશ્વાસ વ્‍યક્‍ત કરતા શહેર પ્રમુખ સુરસિહભાઈ મોરીએ જણાવ્‍યું કે વિજય તો માત્ર એક ટ્રેલર છે. સુત્રાપાડાની જનતાને ભાજપના વિકાસ કાર્યો અને સુશાસનમાં અતૂટ વિશ્વાસ છે. વિરોધ પક્ષો પાસે હવે કોઈ જ મજબૂત મુદ્દા કે સંગઠન રહ્યું નથી. અમે બાકીની ૨૨ બેઠકો પર પણ રેકોર્ડબ્રેક બહુમતીથી જીતીશું અને સુત્રાપાડા નગરપાલિકામાં ૨૪ માંથી ૨૪ બેઠકો મેળવી ભવ્‍ય ભગવો લહેરાવીશું

(1:22 PM IST)