<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગર મહાનગરપાલિકામાં ભાજપનો પ્રચંડ વિજય : ૬૪માંથી ૫૨ બેઠકો પર કેસરીયો લહેરાવી ભાજપે મેળવી ઐતિહાસિક બહુમતી

કુલ ૧૬માંથી ૧૩ વોર્ડમાં ભાજપની આખી પેનલનો ક્લીન સ્વીપ : વોર્ડ નંબર ૧૨માં આમ આદમી પાર્ટી આગળ જ્યારે કોંગ્રેસના સુપડા સાફ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીના આજે જાહેર થઈ રહેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ વિરોધ પક્ષોના સુપડા સાફ કરી નાખ્યા છે. બપોર સુધીમાં જાહેર થયેલા આંકડા મુજબ, શહેરની કુલ ૬૪ બેઠકોમાંથી ભાજપે ૫૨ બેઠકો પર ભવ્ય વિજય મેળવીને સત્તા પર પોતાનું આધિપત્ય જાળવી રાખ્યું છે. નોંધનીય છે કે, ચૂંટણી પૂર્વે જ એક બેઠક બિનહરીફ થઈ હતી, ત્યારબાદ બાકીની ૬૩ બેઠકો માટે થયેલી મતગણતરીમાં ભાજપે એકતરફી પ્રભુત્વ સ્થાપિત કર્યું છે.

૧૩ વોર્ડમાં ભાજપની પેનલોનો વિજય:
મતગણતરીના કેન્દ્રો પરથી મળતી માહિતી મુજબ, જામનગરના કુલ ૧૬ વોર્ડમાંથી ૧૩ વોર્ડમાં ભાજપની આખી પેનલ વિજયી બની છે. વોર્ડ નંબર ૧, ૨, ૩, ૫, ૬, ૭, ૯, ૧૦, ૧૧ તેમજ ૧૩, ૧૪, ૧૫ અને ૧૬માં મતદારોએ ભાજપના તમામ ઉમેદવારો પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ પરિણામો ભાજપની મજબૂત સંગઠનશક્તિ અને સ્થાનિક સ્તરે પકડનો પુરાવો આપી રહ્યા છે. બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસને આંચકાજનક હારનો સામનો કરવો પડ્યો છે અને અનેક વોર્ડમાં તેનો સંપૂર્ણ સફાયો થયો છે.

વોર્ડ નંબર ૧૨માં 'આપ'ની સરસાઈ અને અન્ય બેઠકોની સ્થિતિ:
જ્યારે મોટાભાગના શહેરમાં ભાજપની લહેર જોવા મળી રહી છે, ત્યારે લઘુમતી પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર ૧૨માં ત્રિકોણીય જંગ જામ્યો છે. અહીં આમ આદમી પાર્ટીના ચારેય ઉમેદવારો હાલમાં ભાજપ અને કોંગ્રેસ કરતા આગળ ચાલી રહ્યા છે, જોકે અહીં હજુ મતગણતરીની પ્રક્રિયા ચાલુ હોવાથી અંતિમ પરિણામ બાકી છે. આ ઉપરાંત, વોર્ડ નંબર ૪ અને ૮ની બેઠકો પર પણ હજુ સ્પષ્ટ ચિત્ર સામે આવ્યું નથી.

ઐતિહાસિક જીત તરફ ભાજપની કૂચ:
બપોરે બે વાગ્યા સુધીની સ્થિતિ મુજબ ભાજપ ૫૨ બેઠકો કબજે કરી ચૂક્યું છે, જે જામનગરના રાજકીય ઇતિહાસમાં એક મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. વિજયી ઉમેદવારોના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઠેર-ઠેર ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. બાકી રહેલી ૧૧ બેઠકોના પરિણામો પણ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે, જેમાં પણ ભાજપ પોતાની બેઠકો વધારવા માટે આશાવાદી છે. આ પરિણામોએ જામનગર શહેરની રાજકીય દિશા સ્પષ્ટ કરી દીધી છે.

 

(2:42 PM IST)