<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં ભાજપનો ઐતિહાસિક વિજય : 22 માંથી 18 બેઠકો કબજે કરી રચ્યો નવો વિક્રમ

ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપ 18 ના આંકડા સુધી પહોંચ્યું : જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 3 બેઠકો આવી : આમ આદમી પાર્ટીએ રાણ બેઠક જીતીને જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત ખોલાવ્યું ખાતું

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતા જ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. જિલ્લા પંચાયતની તમામ 22 બેઠકોના પરિણામો જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવીને વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. આ ચૂંટણીમાં ભાજપ 18 બેઠકો જીતવામાં સફળ રહ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 3 બેઠકોથી સંતોષ માનવો પડ્યો છે. આ વખતે જિલ્લા પંચાયતના ઈતિહાસમાં પ્રથમ વખત આમ આદમી પાર્ટીએ પણ પોતાની હાજરી નોંધાવીને એક બેઠક પર જીત મેળવી છે.

 

ભાજપનો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ દેખાવ:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચૂંટણી ઈતિહાસ પર નજર કરીએ તો ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ક્યારેય 12 બેઠકોથી ઉપર પહોંચી શકી નહોતી. પરંતુ આ વખતે પક્ષે તમામ સમીકરણો બદલી નાખ્યા છે અને સીધો 18 બેઠકોનો આંકડો વટાવીને ઐતિહાસિક બહુમતી પ્રાપ્ત કરી છે. રાજકીય વિશ્લેષકોના મતે, જિલ્લામાં કેટલીક બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થયેલો ત્રિપાંખિયો જંગ ભાજપ માટે ફાયદાકારક સાબિત થયો હોય તેમ જણાય છે. વિપક્ષી મતોનું વિભાજન થતા ભાજપના ઉમેદવારોની જીતનો માર્ગ સરળ બન્યો હતો.

 

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સ્થિતિ:

આ ચૂંટણીમાં સૌથી નોંધપાત્ર બાબત આમ આદમી પાર્ટીનું આગમન છે. 'આપ' એ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં પ્રથમ વખત પોતાનું ખાતું ખોલાવ્યું છે. પાર્ટીના ઉમેદવારે 'રાણ' બેઠક પર વિજય મેળવીને સૌને ચોંકાવી દીધા છે. બીજી તરફ, મુખ્ય વિરોધ પક્ષ તરીકે ગણાતી કોંગ્રેસને આ વખતે મોટું નુકસાન વેઠવું પડ્યું છે. કોંગ્રેસ માત્ર લાંબા, કલ્યાણપુર અને ભાટિયા બેઠકો પર જ પોતાનો ગઢ બચાવવામાં સફળ રહી છે.

જિલ્લા પંચાયતમાં મળેલી આ પ્રચંડ બહુમતી બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિજેતા ઉમેદવારોનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભાજપની આ જીતથી હવે જિલ્લા પંચાયતનું શાસન સંપૂર્ણપણે કેસરીયા રંગે રંગાયું છે, જે આગામી સમયમાં જિલ્લાના વિકાસ કાર્યો પર પણ મોટી અસર પાડશે તેવું માનવામાં આવે છે.

(3:31 PM IST)