<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગરમાં ભાજપનો ઐતિહાસિક ઉલટફેર : લઘુમતી બહુલ વોર્ડ નં-૧માં પ્રથમવાર ક્લીન સ્વીપ કરી કોંગ્રેસના અભેદ ગઢના કાંગરા વિખેર્યા

કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજાની કારમી હાર : દાયકાઓથી જે બેઠક પર ખાતું પણ નહોતું ખુલતું ત્યાં ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થતા રાજકીય ગરમાવો

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોએ આજે આખા રાજ્યનું ધ્યાન ખેંચ્યું છે. ખાસ કરીને શહેરના રાજકીય ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય તેવું પરિણામ વોર્ડ નંબર-૧માં જોવા મળ્યું છે. લઘુમતી મતદારોનું પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારમાં ભાજપે આ વખતે સર્જિકલ સ્ટ્રાઈક જેવો દેખાવ કરીને કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લીધી છે. દાયકાઓથી કોંગ્રેસનો ગઢ ગણાતા આ વોર્ડમાં ભાજપે પ્રથમ વખત ક્લીન સ્વીપ કરીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગુભા જાડેજા પરાજિત:
આ ચૂંટણીના સૌથી ચોંકાવનારા સમાચાર એ છે કે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આ વોર્ડમાંથી હારનો સામનો કરવો પડ્યો છે. લઘુમતી મતોના આધારે આ સીટને કોંગ્રેસ માટે સુરક્ષિત માનવામાં આવતી હતી અને દિગુભા જાડેજા પોતે અહીંથી જીત માટે મક્કમ હતા. જોકે, મતદારોએ આ વખતે પરિવર્તનનો મિજાજ દેખાડતા કોંગ્રેસના શહેર પ્રમુખને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. દિગ્ગજ નેતાની હારથી જામનગર કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે અને સંગઠન માટે આ એક મોટો આઘાત માનવામાં આવી રહ્યો છે.

વર્ષો બાદ ભાજપનું ભવ્ય આગમન અને વિજયોત્સવ:
વોર્ડ નંબર-૧ માં અત્યાર સુધી ભાજપ માટે જીતવું તો દૂર, પણ પગપેસારો કરવો પણ મુશ્કેલ હતો. પરંતુ આ વખતે ભાજપની રણનીતિ અને કાર્યકરોની મહેનત રંગ લાવી હોય તેમ જણાય છે. મતદારોએ પક્ષની વિચારધારા અને વિકાસના મુદ્દા પર ભરોસો મૂકી ભાજપની આખી પેનલને વિજયી બનાવી છે. પરિણામ જાહેર થતાની સાથે જ ભાજપના છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના વિવિધ ભાગોમાં આ વિજયની ઉજવણી કરવામાં આવી હતી. આ પરિણામ માત્ર એક વોર્ડની જીત નથી, પરંતુ જામનગરના આગામી સમયના રાજકારણ માટે એક સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહ્યો છે.

 

(11:43 AM IST)