News of Tuesday, 28th April 2026
ધ્રોલ તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય: 16માંથી 14 બેઠકો કબજે, કોંગ્રેસના સૂપડા સાફ : AAPની 2 બેઠકો સાથે એન્ટ્રી; ધ્રોલ-ખારવા અને લતીપર જિ.પં. બેઠક પર પણ ભાજપનો એકહથ્થુ દબદબો
ભવ્ય વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ અને વિજય સરઘસ સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી : આ પરિણામ ધ્રોલના સ્થાનિક રાજકારણમાં ભાજપની મજબૂત પકડ

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૨૮ : તાલુકા પંચાયતની 16 બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી સત્તા કબજે કરી છે. 1 બેઠક અગાઉ બિનહરીફ જાહેર થઈ હતી, જ્યારે બાકીની 15 બેઠકોની મતગણતરી બાદ ભાજપે કુલ 14 બેઠકો મેળવી વર્ચસ્વ સાબિત કર્યું છે.
આમ આદમી પાર્ટીએ 2 બેઠકો જીતી તાલુકા પંચાયતમાં ખાતું ખોલાવ્યું છે. સ્થાનિક રાજકારણમાં મજબૂત ગણાતી કોંગ્રેસ પાર્ટી માટે પરિણામ આઘાતજનક રહ્યું છે. કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નથી અને તેનું સૂપડું સાફ થઈ ગયું છે.
જિલ્લા પંચાયતમાં પણ ભાજપનો ભગવો
તાલુકા પંચાયતની સાથે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર પણ ભાજપનો દબદબો રહ્યો. ધ્રોલ-ખારવા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના રંજનબેન ડી. જીવાણી 4,000થી વધુ મતોની જંગી લીડથી વિજયી બન્યા છે. લતીપર જિલ્લા પંચાયત બેઠક પર પણ ભાજપ 1,600થી વધુ મતોની લીડ સાથે જીત્યું છે.
ભવ્ય વિજય બાદ ભાજપના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છે અને વિજય સરઘસ સાથે ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. આ પરિણામ ધ્રોલના સ્થાનિક રાજકારણમાં ભાજપની મજબૂત પકડ દર્શાવે છે.
(5:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
