તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th April 2026
વેરાવળના વાવડી-આદ્રી ગામે ભાજપાની ભવ્ય ‘વિકાસ સંકલ્પ સભા’ - ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ કોંગ્રેસના પ્રાંતવાદ અને જ્ઞાતિવાદને વિકાસવાદ સામે પરાસ્ત કરવાની હાકલ કરી
કોંગ્રેસના ધારાસભ્યની નિષ્ક્રિયતા સામે ભાજપાના સંગઠનની સક્રિયતાનો વિજય થશે : ખારવા સમાજના લલિતભાઈ લખમભાઈ અને પરબતભાઈ મેરુભાઈ સોલંકી સેંકડો સમર્થકો સાથે કેસરીયો ધારણ કરી ભાજપામાં જોડાયા

વેરાવળ: : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી-આદ્રી ગામે ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં એક વિશાળ ‘વિકાસ સંકલ્પ સભા’નું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપા ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને ખારવા સમાજના અગ્રણીઓએ ભાજપામાં જોડાઈને સંગઠનને વધુ મજબૂત બનાવ્યું હતું.
વિકાસવાદ એ જ ભાજપાની ઓળખ: જગદીશભાઈ વિશ્વકર્મા:
સભાને સંબોધતા જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે દાયકાઓ સુધી પ્રાંતવાદ, ભાષાવાદ અને જ્ઞાતિવાદની નકારાત્મક રાજનીતિ કરી છે. તેની સામે નરેન્દ્રભાઈ મોદીએ માત્ર અને માત્ર વિકાસવાદને કેન્દ્રસ્થાને રાખીને દેશમાં પરિવર્તન આણ્યું છે. તેમણે કહ્યું કે પડકારની સામે પરિશ્રમ કરીને પરિણામ લાવે તે જ સાચો ભાજપા કાર્યકર્તા છે.
પાણી, વીજળી અને કનેક્ટિવિટી ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફાર:
વધુમાં તેમણે જણાવ્યું કે, અગાઉના શાસનમાં સૌરાષ્ટ્ર-કચ્છના લોકો પાણી માટે વલખાં મારતા અને ટ્રેનો દ્વારા પાણી પહોંચાડવું પડતું હતું, પરંતુ ભાજપા સરકારે ‘સૌની યોજના’ દ્વારા દરેક ઘરે નળથી જળ પહોંચાડ્યું છે. વીજળીના પ્રશ્ને પણ તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉ જમવાના સમયે પણ વીજળી નહોતી મળતી, જે આજે ૨૪ કલાક અવિરત મળે છે. કોસ્ટલ હાઈવેના નિર્માણથી ગીર સોમનાથ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે અને વિકાસને નવી ગતિ મળશે.
ખેડૂતો અને સાંસ્કૃતિક વારસાનું જતન:
સરકારની સિદ્ધિઓ ગણાવતા તેમણે કિસાન સમ્માન નિધિ અને અતિવૃષ્ટિના સમયે જાહેર કરાયેલા ૧૦,૦૦૦ કરોડના ઐતિહાસિક પેકેજનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત સોમનાથ કોરિડોર, અંબાજીનો વિકાસ, પાવાગઢ પર ધ્વજારોહણ અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ જેવા સાંસ્કૃતિક કાર્યોને ભાજપાની મોટી સિદ્ધિ ગણાવી હતી.
કોંગ્રેસના નેતાઓનું ભાજપામાં જોડાણ:
આ કાર્યક્રમની સૌથી નોંધપાત્ર ઘટના ખારવા સમાજના અગ્રણી અને કોંગ્રેસ નેતા લલિતભાઈ લખમભાઈ તેમજ પૂર્વ તાલુકા પંચાયત કોંગ્રેસ નેતા પરબતભાઈ મેરુભાઈ સોલંકીનું તેમના સેંકડો સમર્થકો સાથે ભાજપામાં જોડાણ હતું. જગદીશભાઈ વિશ્વકર્માએ આ તમામનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તેમણે વેરાવળના ધારાસભ્યની નિષ્ક્રિયતા પર કટાક્ષ કરતા કહ્યું કે વિસ્તારનો જે કંઈ વિકાસ થયો છે તે ભાજપાના જાગૃત સંગઠન અને સાંસદની સક્રિયતાને આભારી છે.
આ સભામાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ માનસિંહભાઈ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમાર, વેરાવળ તાલુકા પ્રમુખ પ્રદ્યુમ્ન ડોડીયા સહિતના અનેક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર અખબારી યાદી પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ પ્રશાંત વાળા દ્વારા જાહેર કરવામાં આવી હતી.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
