તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Saturday, 23rd May 2026
જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંચાયતના પ્રમુખપદે ભાજપના દિવ્યાબા જાડેજાની વરણી, ઉપપ્રમુખ તરીકે AAPના ભાવનાબેન પરમાર નિયુક્ત
ચીઠ્ઠી ઉછાળ્યા બાદ દિવ્યાબા જાડેજા પ્રમુખપદે વિજેતા, 18 બેઠકોમાં AAP-9, ભાજપ-6, કોંગ્રેસ-1, અપક્ષ-2 સાથે પેચીદો માહોલ સર્જાયો હતો

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 23 : જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી આજે યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે ભાજપ સમર્થિત દિવ્યાબા અજયસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન કિશોરભાઈ પરમાર વિજયી જાહેર થયા હતા.
મળતી માહિતી મુજબ લાલપુર તાલુકા પંચાયતમાં કુલ અઢાર બેઠકો છે. જેમાં આમ આદમી પાર્ટીના નવ ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે ભાજપને છ બેઠકો મળી હતી. કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ હતી તેમજ અન્ય બે અપક્ષ ઉમેદવારો પણ વિજયી બન્યા હતા. પરિણામે તાલુકા પંચાયતની સત્તા રચનાને લઈને રાજકીય રીતે પેચીદો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન દિવ્યાબા અજયસિંહ જાડેજાએ ભાજપ સાથે પુનઃ જોડાણ કરતાં પ્રમુખ પદની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાયા હતા. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ચીઠ્ઠી નાખ્યા બાદ દિવ્યાબા જાડેજા પ્રમુખ પદે વિજેતા બન્યા હતા.
ચૂંટણી બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે સમર્થકો અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રમુખ પદે વરણી થતા દિવ્યાબા જાડેજાએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી તાલુકાના વિકાસ માટે સૌને સાથે લઈને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
(1:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
