<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd April 2026

મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો 20 બેઠક તો કોંગ્રેસનો 15 બેઠકો ઉપર જીતનો દાવો.

નવું સીમાંકન અને એસઆઈઆર બાદ ઘટી ગયેલા 50 હજારથી વધુ મતદારો જીત માટે નિર્ણાયક ફેક્ટર સાબિત થશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : સીરામીક નગરી મોરબી જિલ્લામાં મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણી અને અલાયદો જિલ્લો બન્યા બાદ જિલ્લા પંચાયતની ત્રીજી ચૂંટણી આગામી તા.26 એપ્રિલે યોજવા જઈ રહી છે ત્યારે ભાજપે વિકાસના મુદ્દે રાજનીતિ કરવા સંકલ્પપત્ર જાહેર કર્યું છે ત્યારે કોંગ્રેસે ખેડૂતોને સુવિધા, ગ્રામ્ય રોડ રસ્તા, સિંચાઈ સુવિધા સહિતના મુદ્દે રાજનીતિ કરી આગામી ચૂંટણીમાં વર્ષ 2015 બાદ ફરી સતા હાંસલ કરવા 15 જેટલી બેઠકો જીતવા દાવો કર્યો છે. ભાજપે આગામી ચૂંટણીમાં 20 બેઠકો કબજે કરી સતા જાળવી રાખવાનો દાવો કર્યો છે.

આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોરબી જિલ્લામાં ચૂંટણીનો ગરમાવો બરાબરનો જોવા મળી રહ્યો છે.ભાજપ કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષના કાર્યકરો ધોમધખતા તાપમાં પ્રચાર કાર્ય કરી રહ્યા છે. ખાસ કરીને આગામી ચૂંટણીમાં SIR ને કારણે ઘટી ગયેલા 50હજારથી વધુ મતદારોની સંખ્યા મહત્વનો ભાગ ભજવે તેવા અણસાર મળી રહ્યા છે. મોરબી જિલ્લામાં હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં હેવી વીજલાઈનના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી છે અને ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓનો પ્રશ્ન પણ મુખ્ય છે ત્યારે મતદારો તા.26મીએ કેવો રૂખ અપનાવે છે તેના પર રાજકીય પક્સઓની મીટ મંડાયેલી છે.
ખાટલા બેઠક, મહિલા મોરચા, કિશાન મોરચો પુરજોશમાં પ્રચારમાં : જિલ્લા ભાજપ પ્રમુખ
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટીયાએ જિલ્લા પંચાયતના ચૂંટણીજંગ અંગે જણાવ્યું હતું કે, આ વખતે તમામ બેઠકો કબ્જે કરવા ભાજપે રણનીતિ બનાવી છે. ગત ચૂંટણી ક૨તા પણ આ વખતે ભાજપ વધુ બેઠક મેળવશે તેમ જણાવી 20 બેઠકો કબ્જે કરવાનું ગેરંટી સાથે જણાવ્યું હતું. ચૂંટણીમાં ગ્રામ્ય મતદારોને અંકે કરવા ભાજપે ખાટલા બેઠક શરૂ કરી મહિલા મોરચો, કિશાન મોરચો અને બક્ષીપંચ મોરચા સહિતના તમામ બેઠકોમાં 200થી 250 કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં લાગ્યા હોવાનું જણાવ્યુ હતું.સાથે જ જુના જોગીઓને રિપીટ નહીં કરવાથી ભાજપને કોઈ નુકશાન નહીં થાય ઉલટું ફાયદો થશે તેમ જણાવ્યું હતું

(12:56 AM IST)