<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

બાબરા એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો જયજયકાર : 97% જેટલા ભારે મતદાન બાદ ખેડૂત મતદાર વિભાગની 10 માંથી 8 બેઠકો ભાજપે જીતી

વેપારી વિભાગમાં 2 બેઠકો મળી: અપક્ષના સમર્થન સાથે ભાજપે કુલ 11 બેઠકો પર જીતનો દાવો કર્યો

અમરેલી જિલ્લાના સહકારી રાજકારણ માટે અત્યંત પ્રતિષ્ઠાભરી ગણાતી બાબરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે બાબરા એપીએમસીની સામાન્ય ચૂંટણી-2026 ના આજે જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત પેનલે એકહથ્થુ વર્ચસ્વ જમાવ્યું છે. તીવ્ર રસાકસી અને ઉત્તેજના વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં સહકારી ક્ષેત્રના વિરોધી જૂથોને પછાડીને ભાજપ સમર્થિત ખેડૂત પેનલે વિરાટ વિજય હાંસલ કર્યો છે.

 

બાબરા યાર્ડની આ ચૂંટણીમાં ગત 28 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા મતદાનમાં મતદારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. ખાસ કરીને ખેડૂત મતદાર મંડળની 10 બેઠકો માટે કુલ 21 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. કુલ 341 મતદારોમાંથી 333 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેના પગલે આશરે 97% જેટલું જંગી મતદાન નોંધાયું હતું.

આજે 29 સપ્ટેમ્બરે સવારે મતગણતરી હાથ ધરાતા જ શરૂઆતથી જ ભાજપ સમર્થિત ઉમેદવારોએ લીડ જાળવી રાખી હતી. પરિણામ જાહેર થતાં ખેડૂત વિભાગની 10 માંથી 8 બેઠકો પર ભાજપ સમર્થિત ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે માત્ર 2 બેઠકો અપક્ષના ફાળે ગઈ હતી.

 

ખેડૂત મતદાર મંડળમાં સૌથી વધુ મતો મેળવીને ઝાપડિયા ચનાભાઈ ભુટાભાઈ (215 મત), પાનસેરિયા હિંમતભાઈ ગોરધનભાઈ (208 મત) અને ખોખરિયા અજીતભાઈ વાલજીભાઈ (181 મત) અગ્રસ્થાને રહ્યા હતા. આ ઉપરાંત વિજય મેળવનારા અન્ય ઉમેદવારોમાં:

ચાવડા નિર્મળભાઈ બહાદુરભાઈ

નાકરાણી જગદીશભાઈ પ્રેમજીભાઈ

કલકાણી જયસુખભાઈ જાદવભાઈ

રાઠોડ જીવાજી ખોડાજી

રાખોલિયા અશોકભાઈ નારણભાઈ

ઇસોટિયા રમેશભાઈ નાથાભાઈ

ભાયાણી મહેશભાઈ જેઠાભાઈ નો સમાવેશ થાય છે.

વેપારી વિભાગમાં ભાજપ અને અપક્ષ વચ્ચે બરાબરી

બીજી તરફ, વેપારી મતદાર મંડળની 4 બેઠકો માટે 8 ઉમેદવારો આમને-સામને હતા. આ વિભાગમાં બરાબરીનો મુકાબલો રહ્યો હતો, જેમાં ભાજપના 2 અને અપક્ષના 2 ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા. વિજેતાઓમાં આંબલિયા લલિતભાઈ કરશનભાઈ, રાઠોડ વિજયભાઈ ભગવાનભાઈ, ભંડેરી ખોડીદાસભાઈ પરષોત્તમભાઈ તેમજ મકવાણા રાજેશભાઈ મનજીભાઈનો સમાવેશ થાય છે.

 

ચૂંટણી પરિણામો બાદ ભાજપના સ્થાનિક સંગઠને સત્તાવાર રીતે દાવો કર્યો છે કે ખેડૂત વિભાગના 8 અને વેપારી વિભાગના 2 ઉમેદવારો ઉપરાંત વેપારી વિભાગમાંથી જીતેલા 1 અપક્ષ ઉમેદવારે પણ ભાજપની વિચારધારા સાથે જોડાણ કરીને પોતાનો ખુલ્લો ટેકો જાહેર કર્યો છે. આ સાથે ભાજપ પાસે હવે સ્પષ્ટ બહુમતી સાથે કુલ 11 સભ્યોનું સમર્થન ઉપલબ્ધ થયું છે.

સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા 10 દિવસથી પાર્ટીના કાર્યકરો, સહકારી અગ્રણીઓ અને વિવિધ સેવા સહકારી મંડળીઓના પ્રમુખો રાત-દિવસ એક કરીને કાર્યરત હતા, જેના ફળસ્વરૂપે આ ઐતિહાસિક જનાદેશ મળ્યો છે. નવનિયુક્ત ડિરેક્ટરોએ બાબરા માર્કેટ યાર્ડને અમરેલી જિલ્લામાં સુવિધાઓ અને પારદર્શિતાની દ્રષ્ટિએ મોડેલ યાર્ડ બનાવવાની ખાતરી ઉચ્ચારી છે.

(8:26 PM IST)