<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th October 2026

મોરબીમાં ખેડૂતોના પ્રશ્‍ને નારાજ ભાજપ અગ્રણી અલ્‍પેશ ઓડિયા ૨૦૦ ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાયા

વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપમાં ભંગાણ, હજુ પણ ચૂંટણી સુધીમાં નવા જૂની થવાના એંધાણ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૪: મોરબી-માળિયા વિધાનસભા મતવિસ્‍તારમાં ભાજપને મોટો ઝટકો લાગ્‍યો છે. જેમાં મોરબીના મહેન્‍દ્રનગરના ભાજપના અગ્રણી અને મોરબી-માળિયા વિધાનસભાના ભાજપના પૂર્વ સોશિયલ મીડિયા ઇન્‍ચાર્જ અલ્‍પેશ ઓડિયા ૨૦૦થી વધુ કાર્યકરો અને સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાતાં રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. ખેડૂતોના પ્રશ્‍ને લાંબા સમયથી સરકાર અને ખાનગી વીજ કંપની સામે અવાજ ઉઠાવતા અલ્‍પેશ ઓડિયાએ અંતે ભાજપ સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે મોરબીના રાજપર નજીક કોંગ્રેસ દ્વારા આયોજિત વિરાટ ખેડૂત આક્રોશ મહાસભામાં કોંગ્રેસના ટોચના નેતાઓની ઉપસ્‍થિતિમાં તેમણે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્‍યારે મોરબી-માળિયા મતવિસ્‍તારમાં ભાજપના અગ્રણીનો આ પક્ષપલ્‍ટો રાજકીય રીતે નોંધપાત્ર બન્‍યો છે. ખાસ કરીને ખેડૂત આંદોલનના મુદ્દે ભાજપ સાથે અસંતોષ ધરાવતા કાર્યકરો કોંગ્રેસમાં જોડાતાં આગામી ચૂંટણીમાં કદાચિત ભાજપને અણધાર્યા પરિણામો સહન કરવા પડે તેવા સમીકરણોની જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે. અલ્‍પેશ ઓડિયા સાથે મોટી સંખ્‍યામાં સમર્થકોના પક્ષ પ્રવેશથી ભાજપને સ્‍થાનિક સ્‍તરે રાજકીય પડકારનો સામનો કરવો પડી શકે છે. ચૂંટણી સુધીમાં પક્ષપલટા અને સંગઠનાત્‍મક ફેરફારોની વધુ ઘટનાઓ સામે આવે તેવી શકયતા વચ્‍ચે મોરબીના રાજકારણમાં આગામી દિવસોમાં કેવાં નવાં સમીકરણો સર્જાય છે તેના પર સૌની નજર રહેશે.

(11:20 AM IST)