તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
લીંબડીમાં સોનીના મકાનમાંથી ૩૬ લાખના બિસ્કીટ ગૂમ!
૧૦૦-૧૦૦ ગ્રામના ૬ સોનાના બિસ્કીટ કોઇ ચોરી કરી ગયાની પોલીસ રાવથી ચકચાર

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ, તા.૧૭: લીંબડી શહેરના રાજકવિ ચોક ખાતે આવેલા અંબિકા જ્વેલર્સના માલિક હસમુખલાલ ઉર્ફે હર્ષદભાઈ ડાયાભાઈ આદેસરાના ઘરેથી ૬૦૦ ગ્રામ સોનાના બિસ્કિટ ચોરાયા છે. આ સોનાની કિંમત આશરે રૂા. ૩૬ લાખ છે. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ,વર્ષ ૨૦૨૧માં અંબાજી દર્શન માટે જતાં પહેલાં ૧૦૦-૧૦૦ ગ્રામના ૬ સોનાના બિસ્કિટ ઘરના બીજા માળે આવેલા માળિયામાં એક પાકીટમાં સંતાડ્યા હતા. આ પછી પરિવાર અમદાવાદ સહિત અન્ય સ્થળોએ અવરજવર કરતો રહ્યો. દરમિયાન, ઘરમાં એક નવી મહિલાને ઘરકામ માટે રાખવામાં આવી હતી અને ઘરની સંપૂર્ણ સફાઈ પણ કરાવાઈ હતી.
થોડા સમય પછી જ્યારે માળિયામાં તપાસ કરી, ત્યારે પાકીટ સહિત તમામ ૬ સોનાના બિસ્કિટ ગાયબ મળ્યા. પરિવારના સભ્યોની તબિયત ખરાબ રહેતી હોવાથી, ઓપરેશન અને સારવાર જેવી પરિસ્થિતિઓને કારણે તે સમયે પોલીસ ફરિયાદ નોંધાવાઈ નહોતી.
ફરિયાદમાં ઘરકામ કરતી મહિલા પર શંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, મહિલાએ સોનાના બિસ્કિટ વિશે કોઈ જાણકારી હોવાનો ઇનકાર કર્યો છે. આખરે, કોઈ અજાણ્યા શખ્સે ઘરમાં ઘૂસીને ચોરી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આ ઘટનાની ગંભીરતાને જોતા લીંબડી પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના જાણીતા જ્વેલરના ઘરેથી લાખો રૂપિયાનું સોનું ચોરાઈ જવાની આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા કર્યા છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
