<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

ભાગવતકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના પ્રાગટ્ય દિનની સાંદીપનિ વિદ્યાનિકેતન દ્વારા 'સેવાદિવસ' તરીકે ભવ્ય ઉજવણી : પોરબંદર સહિત દેશ-વિદેશમાં અનેકવિધ સામાજિક-ધાર્મિક કાર્યો સંપન્ન

શ્રાવણ માસના પવિત્ર સોમવારે શ્રીહરિ મંદિરમાં લઘુરુદ્રાભિષેક, વર્ધાપનપૂજન, રક્તદાન કેમ્પ, શ્રીહરિ વનનું લોકાર્પણ અને ગૌસેવા સહિતના પ્રકલ્પોથી ઉજવણી કરાઈ

પોરબંદર:રાષ્ટ્રીય સંત, પરમ ભાગવતકાર અને શિક્ષણક્ષેત્રના લોકહિતચિંતક ભાઈશ્રી રમેશભાઈ ઓઝાનો ૩૧ ઓગસ્ટના રોજ આવેલો પ્રાગટ્ય દિવસ તેમની પ્રેરણા અનુસાર પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ 'સેવાદિવસ' તરીકે ઉજવવામાં આવ્યો હતો. શ્રાવણ માસના પવિત્ર સોમવારે સાંદીપનિ વિદ્યાનિકેતન તેમજ દેશ-વિદેશમાં વસતા બૃહદ સાંદીપનિ પરિવાર દ્વારા આધ્યાત્મિક કાર્યક્રમો, અન્નદાન, વિદ્યાદાન, મેડિકલ કેમ્પ, વૃક્ષારોપણ જેવા અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા હતા.

શ્રીહરિ મંદિરમાં વર્ધાપનપૂજન અને લઘુરુદ્રાભિષેક:
વિશ્વકલ્યાણ અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના દીર્ઘાયુ માટે શ્રીહરિ મંદિરમાં વિધિવત્ વર્ધાપનપૂજન યોજાયું હતું. શ્રાવણ માસનો સોમવાર હોવાથી રમેશભાઈ ઓઝા દ્વારા પ્રતિષ્ઠિત શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવને વિધિવત લઘુરુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં સાંદીપનિના અધ્યાપકો, સેવકો, ઋષિકુમારો અને ગૌતમભાઈ ઓઝા જોડાયા હતા. આ સિવાય સાંદીપનિ પરિસરમાં આવેલા શ્રી સૌમ્ય ભૈરવજી મહારાજને ૧૧૦૦ બિલ્વપત્ર અર્પણ કરીને વિશેષ પૂજા કરાઈ હતી.

રક્તદાન, સ્વચ્છતા અને રમકડાં વિતરણ:
સાંદીપનિ સંસ્કૃત પાઠશાળામાં યોજાયેલા કેમ્પમાં ઋષિકુમારો, ગુરુજનો અને પોરબંદરવાસીઓ દ્વારા ૫૦ બોટલ રક્ત એકત્ર કરાયું હતું. વિદ્યાર્થીઓએ સુદામા મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું હતું. તેમજ 'સ્પ્રેડિંગ સ્માઈલ'ના બેનર હેઠળ ધીરજભાઈ તથા તૃપ્તિબેન પંડિત દ્વારા પોરબંદરની આંગણવાડીઓમાં રમકડાં કિટ અને વસ્ત્રોનું વિતરણ કરાયું હતું.

શ્રીહરિ વનનું લોકાર્પણ અને વૃક્ષારોપણ:
સાંદીપનિ અને સદ્ભાવના સેવા આશ્રમના સંયુક્ત ઉપક્રમે 'શ્રીહરિ વન'નું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કલેક્ટર ધાનાણી, મેયર સાગરભાઈ મોદી, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, રામજીભાઈ મોઢવાડિયા, પ્રવીણભાઈ ખોરવા, ધર્મેશભાઈ પરમાર, આનંદભાઈ દત્તા, નીરજભાઈ મોનાણી, દિલીપભાઈ પરમાર, નિલેશભાઈ ભૂતિયા, અશોકભાઈ ચૌહાણ, આનંદભાઈ નાઠાં અને પિયુષભાઈ મજીઠીયા ઉપસ્થિત રહ્યા હતા.

ગૌસેવા, મહાપ્રસાદ અને સોમનાથ યાત્રા:
સાંદીપનિ ગૌશાળામાં ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અને ગૌતમભાઈ ઓઝાએ ગૌપૂજન કરી ગાયોને લાડુનો ભોગ ધરાવ્યો હતો. સાંદીપનિમાં દર્શનાર્થીઓ માટે ભોજન વ્યવસ્થા અને ભાવનગરમાં લીલા ગ્રુપ તથા સદ્વિચાર સમિતિ દ્વારા દર્દીઓને ટિફિન સેવા અપાઈ હતી. આ ઉપરાંત ઓમ ગ્રુપ ઓફ પોરબંદર દ્વારા શહેરની ૫૧ મહિલાઓને સોમનાથ, ત્રિવેણીતીર્થ, ભાલકાતીર્થ, માધવપુર અને લોયેજની નિઃશુલ્ક દર્શન યાત્રા કરાવવામાં આવી હતી. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:18 PM IST)