તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th September 2026
થાનમાં વાડીએથી ઘરે આવતી વખતે બાઇક સ્લીપ થયું: કર્મકાંડી યુવાન જય મહેતાનું મોત
મોડી રાતે બનાવઃ માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો પણ દમ તોડી દીધોઃ ૨૩ વર્ષના દિકરાના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૯: થાનગઢમાં રાતે ઘર નજીક બાઇક સ્લીપ થઇ જતાં બાઇકચાલક ૨૩ વર્ષના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. રાતે આ યુવાન વાડીએથી ઘરે આવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. ગંભીર ઇજા સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ચોટીલાના થાનગઢમાં ભીડભંજન સોસાયટીમાં રહેતો જય કમલેશભાઇ મહેતા (ઉ.વ.૨૩) નામનો યુવાન રાતે સાડા દસેક વાગ્યે બાઇક હંકારીને જતો હતો ત્યારે ઘર નજીક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવાર બાદ મૃત્યુ થયું હતું. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને કરી હતી.
મૃત્યુ પામનાર જય બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો. તે પિતા સાથે કર્મકાંડનું કામ કરતો હતો. સાંજે તે વાડીએ બાઇક લઇને આટો મારવા ગયો હતો. ત્યાંથી પરત ઘરે આવતો હતો ત્યારે ઘર નજીક જ બાઇક સ્લીપ થઇ જતાં આ જીવલેણ અકસ્માત સર્જાયો હતો. યુવાન દિકરાના મૃત્યુથી મહેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
(11:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
