<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th October 2026

સાડીનું પાર્સલ આપવા નીકળેલા બાબરાના ખીજડીયા ગામના ૧૯ વર્ષના ધવલનું બાઇક અકસ્‍માતમાં મૃત્‍યુ

છકડો ચાલકે ઠોકરે લેતાં બનાવઃ રાજકોટમાં દમ તોડયોઃ ગરાણીયા પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૯: બાબરાના આંબલીયાધાર નજીક જીવલેણ વાહન અકસ્‍માતની ઘટના બની છે. મિયા ખીજડીયા ગામે રહેતો ૧૯ વર્ષનો યુવાન સાડીનું પાર્સલ પહોંચાડવા માટે બાઇક લઇને જતો હતો ત્‍યારે રસ્‍તામાં છકડો ચાલકે બાઇકને ઠોકરે લેતાં તે રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. રાજકોટમાં સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે.

જાણવા મળ્‍યા મુજબ બાબરાના મિંયા ખીજડીયા ગામે રહેતો ધવલ દિલીપભાઇ ગરાણીયા (ઉ.વ.૧૯) નામનો યુવાન ગઇકાલે સાંજે સાડા છએક વાગ્‍યે બાઇક હંકારીને જતો હતો ત્‍યારે આંબલીધાર નજીક તેના બાઇકને છકડો રિક્ષાના ચાલકે ઠોકરે ચડાવતાં તે ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. આટકોટ બાદ રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો.

પરંતુ અહિ વહેલી સવારે ધવલનું મૃત્‍યુ થયું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બાબરા પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર ધવલ બે ભાઇમાં નાનો હતો અને પિતા સાથે ખેતી કામ કરવાની સાથે સાથે સાડીનો વેપાર પણ કરતો હતો. સાડીનું પાર્સલ સુરત જતી બસમાં પહોંચાડવાનું હોઇ તે ઘરેથી પાર્સલ લઇને આંબલીધાર તરફ જવા નીકળ્‍યો હતો ત્‍યારે રસ્‍તામાં અકસ્‍માત નડયો હતો. યુવાન દિકરાના મૃત્‍યુથી ગરાણીયા-આહિર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. બાબરા પોલીસે છકડો ચાલક સામે કાર્યવાહી કરવા તજવીજ કરી હતી.

(11:39 AM IST)