તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
માધાપર પોક્સો કેસમાં મોટો ચુકાદો: પુરાવાના અભાવે આરોપી નિર્દોષ જાહેર, જન્મના દાખલા પર તપાસના આદેશ
ભુજની વિશેષ પોક્સો અદાલતે માધાપર પોલીસ મથકે નોંધાયેલા સગીરાના અપહરણ અને પોક્સો એક્ટના કેસમાં શંકાનો લાભ આપી આરોપીને નિર્દોષ મુક્ત કર્યો છે તેમજ જન્મના દાખલામાં થયેલા સુધારા મામલે તપાસનો આદેશ આપ્યો છે.

ભુજ : ભુજની નામદાર વિશેષ પોક્સો અદાલત દ્વારા માધાપર પોલીસ સ્ટેશનની હદમાં બનેલી એક સંવેદનશીલ ઘટનામાં મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ફરિયાદીએ પોતાની ૧૫ વર્ષ, ૨ મહિના અને ૨૮ દિવસની સગીર પુત્રીને આરોપી રજાક ઓસમાણ સમા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ગંભીર ફરિયાદ માધાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેના આધારે પોલીસે અટકાયત કરી ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસ ભુજની વિશેષ પોક્સો કોર્ટ સમક્ષ ચાલી જતા, ફરિયાદ પક્ષ તરફથી આરોપો સાબિત કરવા માટે કુલ ૧૪ સાક્ષીઓની જુબાની અને ૩૦ જેટલા મહત્વના દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન આરોપીના બચાવ પક્ષના એડવોકેટ દ્વારા ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેની ગંભીર નોંધ લઈને અદાલતે બંને પક્ષોની દલીલોને ચકાસી હતી.
અદાલતે સમગ્ર પ્રકરણની સુનાવણી બાદ નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ આરોપી વિરુદ્ધના આરોપોને કાયદાકીય રીતે સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે. આથી, કાયદાના સિદ્ધાંતો અનુસાર આરોપી રજાક ઓસમાણ સમાને શંકાનો લાભ આપીને તમામ આરોપોમાંથી સન્માનજનક રીતે નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ ચુકાદા દરમિયાન વિશેષ અદાલતે ભોગ બનનાર સગીરાના જન્મના દાખલામાં પિતાના નામમાં કરવામાં આવેલા સુધારા-ફેરફાર બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. અદાલતે આ મામલે કડક વલણ દાખવતા અંજાર નગરપાલિકાના મુખ્ય અધિકારીને આખી બાબતની યોગ્ય, નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી આગામી ત્રણ માસની અંદર એક વિસ્તૃત તપાસ અહેવાલ સીધો અદાલત સમક્ષ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
આ કેસના નિકાલથી કાનૂની વર્તુળોમાં સગીરાના દસ્તાવેજો અને પુરાવાની વિશ્વસનીયતા વિશે નવા સવાલો ઊભા થયા છે, ત્યારે આગામી સમયમાં નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવનારી તપાસના અહેવાલ બાદ આ મામલે વધુ ખુલાસાઓ સામે આવે તેવી પૂરી શક્યતા છે.
(7:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
