News of Monday, 11th May 2026
કલ્યાણપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા : દુધીયા ગામે થયેલ દેવાણંદભાઈની કરપીણ હત્યાના પાંચેય આરોપીઓ જેસાભાઈ વરૂ, રામદેભાઈ વરૂ, નરેશભાઈ વરૂ, નાથીબેન વરૂ અને જનાબેન વરૂ ગણતરીના કલાકોમાં ઝડપાયા
આઈજી નિર્લિપ્ત રાય અને એસપી જયરાજસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સાગર રાઠોડ, પીઆઈ આર.એન.હાથલીયા અને પીએસઆઈ એમ.આર.સવસેટા સહિતની ટીમે જમીન વિવાદમાં હત્યા કરનાર આરોપીઓને દબોચી લીધા

(કૌશલ સવજાણી દ્વારા)જામ ખંભાળિયા:દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દુધીયા ગામે ખેતીની જમીનના શેઢા અને કુવા પર જવાના રસ્તા બાબતે થયેલી તકરારમાં એક આધેડની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં કલ્યાણપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ગણતરીના કલાકોમાં જ હત્યાના પાંચેય આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઘટનાની વિગત અને હત્યાનું કારણ:
આ ગુનાની પ્રાપ્ત વિગત મુજબ, ફરિયાદી અને આરોપીઓની ખેતીની જમીન એક જ શેઢે આવેલી છે. ફરિયાદીની જમીનમાં આવેલ કુવા પર જવાના રસ્તા બાબતે અગાઉ મૃતક દેવાણંદભાઈ લાખાભાઈ વરૂ (ઉંમર ૪૨ વર્ષ) સાથે આરોપીઓને મનદુઃખ થયું હતું. આ બાબતનો ખાર રાખીને ગત તારીખ ૧૧/૦૫/૨૦૨૬ ના રોજ જ્યારે દેવાણંદભાઈ પોતાની મોટર સાયકલ લઈને વાડીએથી ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપીઓએ એકસંપ કરી ગેરકાયદે મંડળી રચી તેમને આંતર્યા હતા. બોલાચાલી અને ગાળાગાળી કર્યા બાદ આરોપીઓએ કુહાડા, લોખંડના પાઈપ અને લાકડીઓ વડે દેવાણંદભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. શરીરે, હાથ-પગ અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા દેવાણંદભાઈનું કરુણ મોત નિપજ્યું હતું.
પોલીસની ત્વરિત કાર્યવાહી અને ધરપકડ:
હત્યાના આ બનાવની ગંભીરતાને ધ્યાને લેતા રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ આરોપીઓને તુરંત પકડવા સૂચના આપી હતી. નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ કલ્યાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એન.હાથલીયા, પીએસઆઈ એમ.આર.સવસેટા, પીએસઆઈ વી.આર.શુક્લ તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચના એએસઆઈ મશરીભાઈ ભારવાડીયા અને ડાડુભાઈ જોગલ સહિતની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ તમામ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.
ઝડપાયેલા આરોપીઓના નામ:
૧. જેસાભાઈ કેશુરભાઈ વરૂ
૨. રામદેભાઈ કેશુરભાઈ વરૂ
૩. નરેશભાઈ જેસાભાઈ વરૂ
૪. નાથીબેન જેસાભાઈ વરૂ
૫. જનાબેન રામદેભાઈ વરૂ
(તમામ રહે. દુધીયા ગામ, તા. કલ્યાણપુર)
કામગીરી કરનાર ટીમ:
આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એન.હાથલીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.આર.સવસેટા, પીએસઆઈ વી.આર.શુક્લ (રાવલ આઉટ પોસ્ટ), એએસઆઈ મશરીભાઈ ભારવાડીયા, એએસઆઈ ડાડુભાઈ જોગલ અને કલ્યાણપુર સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
