તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
કચ્છ જિલ્લાના મુસાફરોને મોટી ભેટ : કાલથી કચ્છ અને દિલ્હી વચ્ચે વધુ એક સીધી ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી
નવી ટ્રેનને લીલી ઝંડી આપવા માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રેય પાંડે વિશેષ હાજર રહેશે:સાંજે 5 વાગ્યાના અરસામાં ભુજ રેલવે સ્ટેશન ખાતેથી આ ટ્રેનને ભવ્ય વિદાય અપાશે

સરહદી જિલ્લા કચ્છ જિલ્લાના મુસાફરો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી ઉઠતી લોક માંગણીને માન્ય રાખી રેલવે વિભાગ દ્વારા કચ્છ અને દેશની રાજધાની દિલ્હી વચ્ચે વધુ એક સીધી ટ્રેન સેવા શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આવતીકાલ, 22મી મે શુક્રવારથી ભુજ-દિલ્હી વચ્ચે નવી ટ્રેનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જે કચ્છના પ્રવાસીઓ માટે મુસાફરી વધુ સરળ બનાવશે.
મળતી માહિતી અનુસાર, આ નવી ટ્રેનને લીલી ઝંડી આપવા માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રેય પાંડે વિશેષ હાજર રહેશે. 22મી મે શુક્રવારના રોજ સાંજે 5 વાગ્યાના અરસામાં ભુજ રેલવે સ્ટેશન ખાતેથી આ ટ્રેનને ભવ્ય વિદાય આપવામાં આવશે. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે રેલવે તંત્ર દ્વારા સ્ટેશન પર તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ ટ્રેન ભુજથી ઉપડીને વાયા ભીલડી અને રાજસ્થાનના ઝાલોરના રૂટ પરથી પસાર થઈને દિલ્હી પહોંચશે. મળતી માહિતી મુજબ, આ ટ્રેન ભુજથી સવારે 11 વાગ્યે રવાના થશે અને અંદાજે 24 કલાકની મુસાફરી બાદ દેશની રાજધાની દિલ્હી પહોંચશે. જોકે, ટ્રેનનું સત્તાવાર ટાઈમ ટેબલ અને સ્ટેશનોની યાદી રેલવે વિભાગ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
હાલમાં કચ્છથી દિલ્હી જવા માટે ભુજ-બરેલી અને ભુજ-દિલ્હી સરાય રોહિલ્લા એમ માત્ર બે ટ્રેનો જ ઉપલબ્ધ છે. ટ્રેનોની સંખ્યા ઓછી હોવાથી મુસાફરોનો ભારે ધસારો રહેતો હતો અને કન્ફર્મ ટિકિટ મેળવવી મુશ્કેલ બનતી હતી. હવે આ ત્રીજી દૈનિક ટ્રેન શરૂ થવાથી મુસાફરોને મોટી રાહત થશે. વધુમાં, આ ટ્રેનથી કચ્છના પ્રવાસીઓને રાજસ્થાનના વિવિધ શહેરો માટે પણ નવી અને ઉત્તમ કનેક્ટિવિટી મળી રહેશે.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
