News of Saturday, 4th July 2026
જેતપર ખેડૂત આંદોલનમાં મોટો ધડાકો : સરકારની જાહેરાતો માત્ર મૌખિક : હજુ સુધી કોઈ પરિપત્ર ન મળતા ૧૭ દિવસથી ચાલતા આમરણાંત ઉપવાસ આંદોલન અવિરત ચાલુ રાખવા ખેડૂત સમિતિનો મક્કમ નિર્ણય : જુઓ વિડીયો
આંદોલન તોડવા માટે ૨ કરોડની ઓફર અને ધાક-ધમકીઓ મળી હોવાનો નિલેશ એરવાડિયાનો સનસનીખેજ આક્ષેપ : એક-બે દિવસમાં તમામ સમર્થક ખેડૂતો સાથે બેઠક યોજ્યા બાદ જ આગળની રણનીતિ નક્કી થશે

પ્રવીણ વ્યાસ દ્વારા, મોરબી: મોરબીના જેતપર ખાતે છેલ્લા ૧૭ દિવસથી ચાલી રહેલા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં ગઈકાલે સરકાર દ્વારા વળતર વધારા સહિતની મહત્વની જાહેરાતો કરવામાં આવી હોવા છતાં આ વિવાદનો અંત આવ્યો નથી. સરકારની સત્તાવાર જાહેરાત બાદ પણ ખેડૂત સમિતિએ આંદોલન ચાલુ રાખવાનો મક્કમ નિર્ણય જાહેર કરીને મોટો ધડાકો કર્યો છે. ખેડૂત અગ્રણીઓએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતોમાં ખેડૂતોની મૂળભૂત માંગણીઓનો યોગ્ય રીતે સમાવેશ થતો હોય તેવું જણાતું નથી અને હજુ સુધી તેમની એક પણ માંગ સંતોષાઈ નથી.
પરિપત્ર હાથમાં ન આવે ત્યાં સુધી ઉપવાસ છાવણી ચાલુ રહેશે:
ખેડૂત સમિતિના અગ્રણી નિલેશ એરવાડિયાએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે ગઈકાલે સરકાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને જે પણ જાહેરાતો કરવામાં આવી છે તે માત્ર મૌખિક આશ્વાસન સમાન છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પરિપત્ર (GR) ખેડૂતો સુધી પહોંચ્યો નથી. જ્યાં સુધી આ પરિપત્રની અસલ નકલ ખેડૂતોના હાથમાં નહીં આવે ત્યાં સુધી જેતપર ખાતેની ઉપવાસ છાવણી રાબેતા મુજબ ચાલુ જ રહેશે. સરકારી પરિપત્ર આવ્યા બાદ ગુજરાતના તમામ જિલ્લાના ખેડૂતો ભેગા મળીને તેનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરશે અને ત્યારબાદ જ આંદોલન સમેટી લેવું કે કેમ તે અંગે સામૂહિક નિર્ણય લેવામાં આવશે.
૬ માંગણીઓ અંગે સરકારની જાહેરાત અસ્પષ્ટ, નવી રણનીતિ ઘડાશે:
ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ મુકવામાં આવેલી મુખ્ય ૬ માંગણીઓ અંગે વાત કરતા આંદોલનકારીઓએ જણાવ્યું કે વળતર વધારાની વાતો વચ્ચે પણ તેમની મુખ્ય માંગણીઓ પ્રત્યે ઉદાસીનતા દેખાઈ રહી છે. આ બાબતે આંદોલનને સમર્થન આપી રહેલા તમામ ખેડૂતો સાથે આગામી ૧ થી ૨ દિવસમાં એક મોટી મિટિંગનું આયોજન કરવામાં આવશે, જેમાં ચર્ચા-વિચારણા કરીને આગળની નવી રણનીતિ નક્કી કરાશે. આજે આંદોલનના ભાગરૂપે એક ખૂબ જ મોટો કાર્યક્રમ યોજાવાનો હતો, પરંતુ જેતપર ગામમાં એક વ્યક્તિનું દુઃખદ અવસાન થતાં ગ્રામજનોના હિતમાં આ મુખ્ય કાર્યક્રમ રદ રાખવામાં આવ્યો છે. જોકે, અન્ય ગામોમાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમો, લોકસંપર્ક અને બાઇક રેલીઓ ખેડૂતો દ્વારા રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે.
આંદોલન તોડવા ૨ કરોડની ઓફર અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો જવાબ:
અમદાવાદ ખાતે હકાભા દ્વારા આંદોલનકારીઓ પર કરવામાં આવેલા 'ગદ્દાર' અને ભ્રષ્ટાચારના આક્ષેપોનો જડબાતોડ જવાબ આપતા નિલેશ એરવાડિયાએ સનસનીખેજ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે આંદોલનને નબળું પાડવા અને તોડવા માટે આવા પાયાવિહોણા આક્ષેપો કોઈપણ કરી શકે છે. તેમણે દાવો કર્યો કે તેમને પોતાને પણ આ આંદોલન સમેટી લેવા માટે રૂ. ૨ કરોડની મોટી ઓફરો કરવામાં આવી છે અને સાથે જ અનેક પ્રકારની ધાક-ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. પરંતુ ગુજરાતનો ખેડૂત હવે જાગૃત થઈ ગયો છે અને તે કોઈ પણ પ્રકારની લોભ-લાલચ, ડર કે રાજનીતિમાં પડ્યા વગર પોતાના હક અને ન્યાય માટે આ લડત અવિરત ચાલુ રાખશે.
છૂપી રીતે ખાવા-પીવાના આક્ષેપો પર મેડિકલ રિપોર્ટ ચેક કરવાનો પડકાર:
ઉપવાસ છાવણીમાં આંદોલનકારીઓ દ્વારા છૂપી રીતે ખાવા-પીવામાં આવતું હોવાના સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં થતા આક્ષેપો અંગે નિલેશ એરવાડિયાએ આક્રોશ સાથે જણાવ્યું કે અહીં જેતપર ખાતે તૈનાત મેડિકલ ટીમ કોઈ ખાનગી સંસ્થાની નથી, પરંતુ સરકાર દ્વારા જ નિયુક્ત કરાયેલી સત્તાવાર સરકારી હોસ્પિટલની ટીમ છે. આ સરકારી મેડિકલ ટીમ દ્વારા દર ૩ થી ૪ કલાકે ઉપવાસીઓનું સઘન ચેકઅપ કરવામાં આવે છે અને તેનું પ્રોપર રેકોર્ડ રાખવામાં આવે છે. જેથી જે કોઈ વ્યક્તિને આ ઉપવાસ અંગે જરાય શંકા હોય તે અહીં આવીને સરકારી મેડિકલ ટીમના સત્તાવાર રિપોર્ટ ગમે ત્યારે ચકાસી શકે છે તેમ કહી તેમણે વિરોધીઓને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
