News of Sunday, 19th July 2026
સૌરાષ્ટ્રમાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસએમ જાડેજાની આગેવાનીમાં મોટી કાર્યવાહી : જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના અડ્ડાઓ પર દરોડા પાડી રૂપિયા ૨,૧૩,૪૮,૮૮૦ નો મુદ્દામાલ ઝડપાયો : મુખ્ય સૂત્રધાર પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ સોલંકી અને ગૌતમભાઈ કારેથા સહિત ૫ વોન્ટેડ
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ અધિકારીઓની ટીમોએ ચોરવાડ અને માણાવદર વિસ્તારમાં કુલ ૩ સ્થળોએ રેઇડ કરી ૩૦,૯૭૦ લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સાથે શાહીલખા લીગારી, ફારૂક દલ અને સોમીલભાઈ ભીમાણી સહિત ૮ આરોપીઓને દબોચ્યા

રાજકોટ, તા.૧૯ જુલાઈ : ગુજરાત રાજ્યમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરૂદ્ધ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ના પીઆઈ એસએમ જાડેજાની આગેવાનીમાં પોલીસ ટીમોએ એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ડીઝલના નામે ભળતા શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી (ભેળસેળયુક્ત બાયોડીઝલ) ના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઈ એસએમ જાડેજાની સૂચનાથી અલગ-અલગ ટીમોએ જૂનાગઢ જિલ્લાના ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતી કુલ ૦૩ અલગ-અલગ જગ્યાઓ પર ઓચંતી રેઇડ કરીને કુલ રૂપિયા ૨,૧૩,૪૮,૮૮૦/- નો અધધ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેઇડ દરમિયાન ઘટનાસ્થળેથી કુલ ૦૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ગેરકાયદેસર વેપાર ચલાવતા મુખ્ય આરોપીઓ સહિત ૦૫ શખ્સોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ચોરવાડના ગડુ ગામે આવેલા શિવકૃપા ટ્રેડર્સ પરથી રૂ. ૫૧.૭૮ લાખનો મુદ્દામાલ જપ્ત:
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કરવામાં આવેલી પ્રથમ રેઇડ ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગડુ ગામથી માળીયા જવાના રસ્તા પર આવેલા ભવાની કોમ્પ્લેક્ષના શિવકૃપા ટ્રેડર્સના શેડ નંબર ૩ અને ૪ ખાતે કરવામાં આવી હતી. ત્યાંથી પોલીસે ૧૮,૩૦૦ લીટર ભેળસેળયુક્ત બાયોડીઝલ પ્રવાહી, ૦૩ ઇલેક્ટ્રીક મોટર, ૦૨ ડીસ્પેન્સર મશીન, ૦૪ વાહનો, ૦૫ પ્રવાહી સંગ્રહ કરવાના ટાંકા, રૂપિયા ૧૪,૫૦૦/- ની રોકડ રકમ અને ૦૧ મોબાઇલ સહિત પાઇપો અને કેરબા મળી કુલ રૂપિયા ૫૧,૭૮,૫६૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ સ્થળેથી વાહનોમાં ફ્યુલીંગ કરનાર શાહીલખા રહીમખા લીગારી અને અર્જુનકુમાર મેરૂભાઈ ગલચર તેમજ ફ્યુલ ભરાવવા આવેલા ડ્રાઈવર નરેશકુમાર કરશનભાઈ ડાભી અને રાજુભાઈ હાથાભાઈ રાડા સહિત ૦૪ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે આ ગેરકાયદેસર વેપાર કરનાર મુખ્ય આરોપી પપ્પુભાઈ ઉર્ફે પરબતભાઈ નાથાભાઈ સોલંકી અને જથ્થો પુરો પાડનાર અજાણ્યો ઇસમ મળી ૦૨ આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.
ગડુ-ચોરવાડ હાઈવે પર રાધે એન્ટરપ્રાઈઝમાંથી વધુ ૨૭.૩૮ લાખનો જથ્થો ઝડપાયો:
બીજી રેઇડ માળીયા (હટીના) તાલુકાના ગડુ ખાતે ગડુ-ચોરવાડ હાઈવે પર વૃંદાવન હોટલની બાજુમાં આવેલા રાધે એન્ટરપ્રાઈઝ ખાતે કરવામાં આવી હતી. જ્યાંથી ૧૦,૦૭૦ લીટર ભેળસેળયુક્ત પ્રવાહી, ૦૨ ઇલેક્ટ્રીક મોટર, ૦૨ ડીસ્પેન્સર મશીન, ૦૨ વાહનો, ૦૨ ટાંકા, રૂપિયા ૩૯,૨૫૦/- રોકડા અને ૦૨ મોબાઇલ સહિત કુલ રૂપિયા ૨૭,૩૮,૮૨૦/- નો મુદ્દામાલ કબજે કરાયો હતો. અહીથી ફ્યુલીંગ કરનાર ફારૂક ગુલમહમદ દલ અને ડ્રાઈવર લાખાભાઈ રાજાભાઈ કોડિયાતરની ધરપકડ કરાઈ હતી. આ ગુનામાં મુખ્ય વેપારીઓ ગૌતમભાઈ લખમણભાઈ કારેથા, ભરતભાઈ બાબુભાઈ કોરીયા અને સંચાલક અનવર સીલેમાન હોઠીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
માણાવદરના નીલકંઠ ટ્રાન્સપોર્ટ પર રેઇડ: ૧૩ વાહનો સહિત રૂ. ૧.૩૪ કરોડની મિલકત સીઝ:
ત્રીજી મોટી કાર્યવાહી માણાવદર ખાતે મીતડી રોડ પર આવેલા તિલક ચેમ્બરના નીલકંઠ ટ્રાન્સપોર્ટ ખાતે કરવામાં આવી હતી. આ સ્થળેથી પોલીસે ૨,૬૦૦ લીટર બાયોડીઝલ, ૦૨ ઇલેક્ટ્રીક મોટર, ૦૧ ડીસ્પેન્સર મશીન, ૨ ટાંકા, રૂપિયા ૪,૫૦૦/- રોકડા, ૦૨ મોબાઇલ, ડીવીઆર તેમજ ભેળસેળયુક્ત પ્રવાહી ભરવા આવેલા અથવા વપરાયેલા કુલ ૧૩ જેટલા વાહનો મળી કુલ રૂપિયા ૧,૩૪,૩૧,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અહીંથી ઇંધણનું વેચાણ કરનાર મુખ્ય આરોપી સોમીલભાઈ ગોપાલભાઈ ભીમાણી અને ઇંધણ ભરાવવા આવેલા જીતેશ પ્રભુદાસ ચૌહાણની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
ભારતીય ન્યાય સંહિતા અને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુના દાખલ:
પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ ચોરવાડ અને માણાવદર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની કલમ-૨base, ૨૮૭, ૨૮૮, ૬૧(૨) તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ-૩, ૭ અને એક્સ્પ્લોજીવ એક્ટ-૧૮૮૪ ની કલમ-૯(બી)(૧)(બી) મુજબ ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે જણાવ્યું છે કે આ પ્રકારના બિનધોરણસરના બળતણથી વાહનોના એન્જિનને નુકસાન થાય છે, પર્યાવરણમાં ઝેરી ધુમાડો ફેલાય છે અને આગ-વિસ્ફોટ જેવી ગંભીર દુર્ઘટનાઓનો ભય રહે છે, જેથી આ ગેરકાયદેસર વેપાર સામે ઝુંબેશ ચાલુ રહેશે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
