<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

ગાંધીનગરની મહિલા પ્રોફેસરે મેટ્રીમોનિયલ સાઇટ પર શોધેલા ભુજના મુરતિયાએ ૧૩ લાખની ઠગાઈ કરી

બેટર હાફ એપ્લિકેશન ઉપર શોધેલા યુવાને મીઠી મીઠી વાતોથી વિશ્વાસ કેળવી મોબાઈલમાંથી ઓન લાઈન રૂપિયા સેરવ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧:  ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના મહિલા પ્રોફેસરને બેટર હાફ નામની મેટ્રિમોનિયલ એપ્લિકેશન ઉપરથી મુરતિયો શોધી લગ્ન કરવાના ઓરતા મોંઘા પડ્યા છે. આ અંગે મહિલા પ્રોફેસરે મૂળ ભુજના આઇયાનગરમાં રહેતા અને હાલે બેંગ્લોરના હિતેન ધીરેન ઠક્કર નામના યુવાન સામે ૧૩.૩૭ લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. લગ્નની સાઇટ ઉપર પરિચય થયા બાદ હિતેને મહિલા પ્રોફેસરને તેની સુંદરતા વધારવા વજન ઘટાડવાનું કહી બેરિયાટ્રીક સર્જરી માટે જણાવ્યું હતું. મહિલા પ્રોફેસરે સર્જરી કરાવી ત્યારે તેની સાથે ૧૪ મે ના રોજ કે.ડી. હોસ્પિટલમાં રહી મીઠી મીઠી વાતો દ્વારા ભોળવી મોબાઈલના બૅન્કિંગ પાસવર્ડ જાણી લીધા હતા. ત્યારબાદ મોબાઇલ બેન્કિંગ દ્વારા મહિલા પ્રોફેસરની એફડી તોડી ૬ લાખનું હોસ્પિટલ તેમ જ દવાનું બિલ ચૂકવ્યું હતું. બાકી ૧૨.૫૦ લાખ ૧૭ અને ૧૮ મે ના પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ૩૧ મે ના મહિલા પ્રોફેસરને ઘેર ગયો ત્યારે ફરી આરોપી હિતેને મોબાઇલ સેરવી પોતાના ખાતામાં ૫૦ હજાર ટ્રાન્સફર કર્યા હતા તેમ જ ક્રેડિટ કાર્ડ દ્વારા ૮૭ હજાર રૂપિયા વાપરી નાખ્યા હતા. ત્યારબાદ મહિલા પ્રોફેસરે સંપર્ક કરતા હિતેન ઠક્કરે ફોન કાપી નાખી તેનાથી સંપર્ક તોડી નાખ્યો હતો. અંતે મહિલા પ્રોફેસરે ગાંધીનગર સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

(9:33 AM IST)