તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
પાકિસ્તાની મહિલા એજન્ટને જાસૂસીની માહિતી આપવાના કેસમાં ભુજના યુવકનો નિર્દોષ છૂટકારો
ATS દ્વારા ધરપકડ બાદ ૩ વર્ષ ૩ મહિના જેલમાં પરંતુ પુરાવાના અભાવે આરોપ સાબિત ન થતાં ભુજની સેશન્સ કોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૭ : પાકિસ્તાનની મહિલા એજન્ટ સાથે સંપર્કમાં રહી દેશની સુરક્ષા સંબંધિત ગુપ્ત માહિતી મોકલવાના આક્ષેપસર અમદાવાદ ATS દ્વારા ધરપકડ કરાયેલા ભુજના યુવકને ભુજની સેશન્સ કોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આરોપી યુવકે આશરે ૩ વર્ષ અને ૩ મહિના જેલવાસ ભોગવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદ ATS પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલી ફરિયાદના આધારે ભુજમાં બી.એસ.એફ.ના બટાલિયન-59ના હેડક્વાર્ટર ખાતે આવેલા સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટની ઓફિસમાં કોન્ટ્રાક્ટ આધારિત કામ કરતા નીલેશભાઈ વાલજીભાઈ બળિયા (ઉંમર ૩૦,રહે. રાવલવાડી, ભુજ) સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. ATSના આક્ષેપ મુજબ, નીલેશભાઈ પાકિસ્તાનની ‘અદિતિ તિવારી’ નામની મહિલા એજન્ટના સંપર્કમાં હતો અને જાન્યુઆરી થી મે ૨૦૨૩ દરમ્યાન વ્હોટ્સ એપ મારફતે તેણે ગુપ્ત માહિતી મોકલી હતી. આ વ્યવહારના બદલામાં તેમના બેંક ખાતામાં રૂપિયા મળ્યા હોવાનો પણ આરોપ હતો.
કેસમાં તપાસ દરમિયાન નીલેશભાઈના બેંક ખાતામાંથી UPI વ્યવહારો અંગેની વિગતો સામે આવી હતી. ATS દ્વારા તા. 7 જુલાઈ 2023ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જોકે, કોર્ટ સમક્ષ ચાલેલી સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે આરોપી દ્વારા જે મહિલાને માહિતી મોકલવામાં આવી હોવાનો આક્ષેપ છે, તેના સંબંધિત આરોપોને સમર્થન આપતો પૂરતો વિશ્વસનીય પુરાવો રજૂ થયો નથી. બેંક ખાતામાં આવેલા નાણાં પાકિસ્તાની એજન્ટ તરફથી આવ્યા હોવાનું પણ પુરવાર થયું નથી, પરંતુ ભારતીય એકાઉન્ટમાંથી આવ્યા હોવાનું રેકોર્ડ પરથી જણાતું હોવાની દલીલ કરવામાં આવી હતી. જે અંગે બેંક અધિકારીઓની પણ જુબાની લેવાઈ હતી નાણાં ક્રિપ્ટો કરન્સીના અધિકૃત ખરીદ વેચાણ દ્વારા આવ્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે ૧૯ મૌખિક સાક્ષીઓ તથા ૬૬ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. જોકે, કોર્ટના અવલોકન મુજબ આરોપોને સમર્થન આપતી જરૂરી કડીઓ અને પુરાવાઓથી ગુનો સાબિત થતો ન હોવાનું જણાયું હતું. સમગ્ર કેસના પુરાવા અને રજૂઆતોને ધ્યાનમાં લીધા બાદ ભુજની સેશન્સ કોર્ટે નીલેશભાઈ બળિયાને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
આ કેસમાં આરોપી તરફે વકીલ આર.એસ. ગઢવી સાથે વિનીત ચૌધરી, શિવમ સોલંકી, વિશ્વા પરમાર અને એસ.એચ. જેઠીએ હાજર રહ્યા હતા.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
