તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ભુજ-ખાવડા હાઈવે પર સાત સાત મોત બાદ સુરક્ષા માટે નક્કર કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
અહીં વારંવાર બનતા માર્ગ અકસ્માતોને પગલે ભુજ-ખાવડા માર્ગને તાત્કાલિક ફોરલેન બનાવવા, ભારે વાહનોનું ચેકિંગ અને નશામાં ડ્રાઇવિંગ કરનાર સામે કડક કાર્યવાહીની ઉઠાવી માંગ, પ્રવાસન અને ઉદ્યોગોને કારણે ટ્રાફિકનું ભારણ વધ્યુ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ : કચ્છના ભુજ-ખાવડા હાઈવે પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સાત લોકોનાં કરુણ મોતની ઘટનાએ સમગ્ર કચ્છને હચમચાવી નાખ્યું છે. આ દુર્ઘટનાને પગલે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલે પ્રતિક્રિયા આપતાં માર્ગ સુરક્ષાના પ્રશ્ને વહીવટી તંત્ર સામે અનેક સવાલો ઉઠાવ્યા છે. તેમણે અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છમાં ધારાસભ્યો દ્વારા આયોજિત કરવામાં આવેલા સ્નેહમિલન કાર્યક્રમો રદ કરવાની માંગ કરી છે. સાથે જ ભુજ-ખાવડા હાઈવે પર વધતા અકસ્માતોને રોકવા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવા કચ્છ જિલ્લા વહીવટી તંત્રને અપીલ કરી છે.
વી.કે. હુંબલે જણાવ્યું કે ભુજ-ખાવડા માર્ગ પર વાહનવ્યવહારની સુરક્ષા માટે હવે માત્ર રજૂઆતો પૂરતી નથી, પરંતુ નક્કર કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે ભુજ-ખાવડા માર્ગને તાત્કાલિક ફોરલેન બનાવવાની માંગ ઉઠાવી છે, જેથી વાહનોની અવરજવર વધુ સુરક્ષિત બની શકે અને ભવિષ્યમાં આવા ગંભીર અકસ્માતો અટકાવી શકાય. આ ઉપરાંત મોટા ટ્રેલરો અને અન્ય ભારે વાહનોની અવરજવર સામે કડક ચેકિંગ હાથ ધરવા તથા નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા પણ તેમણે માંગ કરી છે.
ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતા ડ્રાઈવરો સામે કડક પગલાં લેવામાં આવે અને માર્ગ પર નિયમિત તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. કચ્છના સરહદી અને ગ્રામ્ય વિસ્તારોમાં માલધારીઓ તેમજ તેમનાં પશુઓની અવરજવર પણ માર્ગ અકસ્માતનું જોખમ ઊભું કરી શકે છે. આથી માલધારીઓ અને પશુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ પર રિફ્લેક્ટર લગાવવા તથા રાત્રિના સમયે વાહનચાલકોને દૂરથી દેખાઈ શકે તેવા ચિહ્નો અને સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા તેમણે NHAI સમક્ષ પણ રજૂઆત કરવાની માંગ કરી છે.
આ ઉપરાંત કચ્છ જિલ્લા વહીવટી તંત્રની સંકલન બેઠકમાં ભુજ-ખાવડા હાઈવે પર સર્જાતા અકસ્માતોનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવવામાં આવે અને માર્ગ સુરક્ષા માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવે તેવી પણ માંગ કરી છે. અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોનાં પરિવારજનોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી લાગણી પણ તેમણે વ્યક્ત કરી છે.
એક તરફ સાત લોકોનાં અકાળે મોતથી પરિવારોમાં શોકની લાગણી વ્યાપી છે, ત્યારે બીજી તરફ આ દુર્ઘટનાએ ભુજ-ખાવડા માર્ગની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરી ચર્ચા જગાવી છે. હવે તંત્ર દ્વારા આ રજૂઆતોને કેટલી ગંભીરતાથી લેવામાં આવે છે અને માર્ગ અકસ્માતો અટકાવવા કયા નક્કર પગલાં ભરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
