તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
ભાવનગરના ઉમરાળા ગામની રાષ્ટ્રીય સ્તરે ગૂંજ: પંચાયતીરાજમાં આધુનિક ટેકનોલોજી અને નવીન અભિગમથી મેળવી સિદ્ધિ
ગ્રામ્ય વિકાસમાં નવો અધ્યાય: 'ઇન્ડિયા એઆઈ પંચાયત મિશન' અંતર્ગત સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વ હેઠળ ઉમરાળા ગ્રામપંચાયતની ભવ્ય પસંદગી

ભાવનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭'ના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાતના ગામડાઓ મજબૂત ડગલાં માંડી રહ્યા છે, જેનું ઉત્તમ ઉદાહરણ ભાવનગર જિલ્લાનું ઉમરાળા ગામ બનીને સામે આવ્યું છે. આધુનિક સંચાર પ્રણાલી અને ટેકનોલોજીના સમન્વય સાથે ગ્રામવિકાસની નવી કેડી કંડારનાર ઉમરાળા ગ્રામપંચાયતની પસંદગી રાષ્ટ્રીય કક્ષાએ 'ઇન્ડિયા એઆઈ પંચાયત મિશન' અંતર્ગત કરવામાં આવી છે. આ ગૌરવવંતી સિદ્ધિ સમગ્ર ગુજરાત માટે પ્રેરણારૂપ બની છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર ગુજરાતમાંથી માત્ર ૪ ગ્રામપંચાયતોની પસંદગી આ મિશન માટે કરવામાં આવી છે, જેમાંથી એક ઉમરાળા ગ્રામપંચાયત છે. સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમના નેતૃત્વમાં પંચાયત દ્વારા કરવામાં આવેલ આધુનિકીકરણના પ્રયાસો અને ગ્રામવિકાસની અદ્યતન કામગીરીને રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી છે. આ સફળતા વિશે વાત કરતા વિભાગના વડા એભા પટેલે સરપંચને વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
આ સિદ્ધિ પાછળના સફળતાના મંત્ર વિશે જણાવતા સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે કહ્યું હતું કે, પંચાયતીરાજ પ્રણાલીમાં જ્યારે રાજકારણ હકારાત્મક દિશામાં હોય અને ગ્રામજનોનો પૂર્ણ સહયોગ મળે, ત્યારે પરિણામો અભૂતપૂર્વ હોય છે. તેમણે આ સફળતાનો શ્રેય સમગ્ર ગ્રામજનો, પદાધિકારીઓ અને તંત્રવાહકોના સતત માર્ગદર્શન અને સહકારને આપ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, પંચાયતના સાથી સભ્યો પણ દરેક વિકાસકાર્યમાં એટલા જ જવાબદારીપૂર્વક સહભાગી બન્યા છે, જેના પરિણામે ઉમરાળા ગામ આજે એક નમૂનેદાર ગ્રામપંચાયત તરીકે ઉભરી આવ્યું છે.
આધુનિક સંચાર વ્યવસ્થાના અમલીકરણ દ્વારા ગ્રામપંચાયતના કાર્યોને વધુ પારદર્શક, ઝડપી અને લોકભોગ્ય બનાવવાની દિશામાં સરપંચ ધર્મેન્દ્રભાઈ હેજમે જે પહેલ કરી છે, તે હવે સમગ્ર દેશ માટે એક મોડેલ સમાન સાબિત થઈ રહી છે. ભાવનગર જિલ્લા માટે આ એક વિશેષ ઉપલબ્ધિ છે, જે ગામડાઓને ડિજિટલ યુગમાં સક્ષમ બનાવવાની સરકારી નેમને સાચા અર્થમાં સાર્થક કરે છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
