<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th September 2026

ભાવનગરનો શેત્રુંજી ડેમ આ વર્ષે ચોથીવાર ઓવરફલો

પાલીતાણા અને તળાજાના ૧૭ ગામોને સાવચેત કરાયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલ  શેત્રુંજી ડેમ ફરી ચાલુ વર્ષે ચોથી વખત છલકાયો છે. ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં વહીવટી તંત્ર દ્વારા ૧૦૦% હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. ડેમની સલામત જળસપાટી જાળવી રાખવાના ભાગરૂપે શેત્રુંજી જળાશયના દરવાજા ખોલીને શેત્રુંજી નદીના પટમાં પાણી છોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

 શેત્રુંજી ડેમ સાઈટના સેક્‍શન અધિકારી ના જણાવ્‍યા પ્રમાણે ડેમમાં ૧૦.૩ મીટર (૩૪ ફૂટ) ની મહત્તમ સપાટીએ ૧૨૨૩૫.૯૦ મિલિયન ઘનફૂટ જળજથ્‍થો નોંધાયો છે. હાલ ડેમમાં ૪૬૦૦ કયુસેક પાણીની આવક થતાં, સ્‍થિતિને પહોંચી વળવા માટે ડેમના દરવાજા ૦.૩૦ મીટર (આશરે ૧ ફૂટ) ખોલીને ૪૬૦૦ કયુસેક પાણીનો પ્રવાહ નદીમાં વહેવડાવવામાં આવી રહ્યો છે.

નદીમાં પાણી છોડાતા તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાના પાલીતાણા અને તળાજા તાલુકાના કુલ ૧૭ સંભવિત અસરગ્રસ્‍ત ગામો માટે એલર્ટ જારી કરવામાં આવ્‍યું છે. જેમાં પાલીતાણા તાલુકાના નાની-રાજસ્‍થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેંઢા તથા તળાજા તાલુકાના ભેગાલી, દાતડ, પીંગળી, ટીમણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોનો સમાવેશ થાય છે.

આ અંગે ભાવનગર કલેક્‍ટર, જિલ્લા પોલીસ વડા (S.P.), જિલ્લા વિકાસ અધિકારી (DDO) તેમજ સંબંધિત મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓને ત્‍વરિત જાણ કરી દેવાઈ છે.  નદી કિનારાના વિસ્‍તારમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને નદીના પટમાં ના જવાની સૂચના આપવામાં આવી છે.

(11:33 AM IST)