તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 16th September 2026
ભાવનગરની પ્રથમ સાડી બેન્ક શ્રીવસ્ત્રાલયને એક વર્ષ પૂર્ણ, અત્યાર સુધીમાં 1,092 સાડીઓનું દાન નોંધાયું
સમૂહ લગ્ન સહિત વિવિધ પ્રસંગોએ 500થી વધુ સાડીઓ જરૂરિયાતમંદ દીકરીઓ અને બહેનોને ભેટ અપાઈ:એક વર્ષની ઉજવણી નિમિત્તે ભાવનગરના પ્રમુખ ગણપતિ પંડાલોમાં QR કોડ દ્વારા સાડીદાનની વિશેષ અપીલ

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:ભાવનગરની દીકરીઓ અને જરૂરિયાતમંદ બહેનોને લગ્ન, શુભ પ્રસંગે સારી સાડીઓ વિનામૂલ્યે મળી રહે અને સંપન્ન પરિવારોના ઘરમાં ઉપયોગ વગર રહેલી સારી સાડીઓ કોઈના જીવનમાં ઉપયોગી બની શકે એવી સંકલ્પના સાથે ડૉ. નિયતિબેન પંડ્યા દ્વારા શરૂ કરવામાં આવેલા “શ્રીવસ્ત્રાલય” પ્રકલ્પને 17 સપ્ટેમ્બર 2026ના રોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના સેવાભાવ અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોમાંથી પ્રેરણા લઈ એમના જન્મદિવસે 17 સપ્ટેમ્બર 2025ના રોજ, સમાજમાં અપૂરતા સંસાધન ધરાવતી બહેનો અને દીકરીઓ પણ પોતાના જીવનના અગત્યના પ્રસંગો સન્માનભેર ઉજવી શકે એ માત્ર એક પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની જવાબદારી છે એવી ભાવના સાથે ભાવનગર યુનિવર્સિટીના સરકાર નિયુક્ત ઇસી સભ્ય ડૉ. નિયતિબેન પંડ્યા દ્વારા શ્રીવસ્ત્રાલય પ્રકલ્પ ભાવનગરની દીકરીઓને સમર્પિત કરવામાં આવ્યો હતો.
પ્રકલ્પના પ્રથમ વર્ષમાં ભાવનગરના લોકો તરફથી ખૂબ સારો સહકાર મળ્યો છે. અત્યાર સુધીમાં 1,092 સાડીઓનું દાન નોંધાયું છે અને વિવિધ લગ્ન પ્રસંગો, સમૂહ લગ્નો તથા જરૂરિયાત ધરાવતા વિસ્તારોમાં 500થી વધુ સાડીઓ તથા ચણિયા ચોળી બહેનો અને દીકરીઓને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે.
શ્રીવસ્ત્રાલય અંતર્ગત મુખ્ય રૂપે ટીમાણા વાળા કાળુબાપુની પ્રેરણાથી યોજાયેલા સમૂહ લગ્નમાં ભાઈ શ્રી ભરતભાઈ મોણપરાના સહયોગથી 250 દીકરીઓને સાડીઓ આપવામાં આવી હતી. ભરતનગર ખાતે લગ્ન પ્રસંગે 15 દીકરીઓને સાડીઓ આપવામાં આવી હતી. ઘોઘા જકાતનાકા વિસ્તારની 18 દીકરીઓને સાડી તથા ચણિયા ચોળી આપવામાં આવ્યા હતા તેમજ કુંભારવાડા ખાતે યોજાયેલા સમૂહ લગ્નમાં પણ દીકરીઓને સાડી અને ચણિયા ચોળી ભેટ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સુભાષનગરમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં આવેલી વસ્તીમાં દશામાંના વ્રતની ઉજવણી નિમિત્તે 152 બહેનોને રોજિંદા ઉપયોગમાં પહેરી શકાય એવી સાડીઓ શ્રીવસ્ત્રાલય દ્વારા આપવામાં આવી હતી.
ભાવનગર સરકારી મેડિકલ કોલેજ સ્ટુડન્ટ એસોસિએશન અને નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન (NMO) દ્વારા સંયુક્ત રીતે આયોજિત “Joy of Giving” કાર્યક્રમમાં દાનમાં આવેલા કપડાઓ પૈકી સાડીઓ શ્રીવસ્ત્રાલયમાં સ્વીકારવામાં આવી હતી. જ્યારે પુરુષો અને બાળકો માટે આવેલા કપડાઓ ડૉ. નિયતિબેન પંડ્યા દ્વારા નારાયણ સેવા ટ્રસ્ટને આપવામાં આવ્યા હતા. દાનમાં આવેલી દરેક ઉપયોગી વસ્તુ યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે એવી ભાવના સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પણ શ્રીવસ્ત્રાલય જોડાઈ રહ્યું છે.
શ્રીવસ્ત્રાલયને એક વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વધુમાં વધુ પરિવારો આ સેવા કાર્ય સાથે જોડાય એ હેતુથી ભાવનગરના તમામ પ્રમુખ ગણપતિ પંડાલોમાં સાડીદાન માટેની અપીલ તથા દાન નોંધાવવા માટેની લિંકનો QR કોડ મૂકવામાં આવ્યો છે. ગણેશોત્સવ દરમિયાન વિવિધ પંડાલોની મુલાકાત લેતા ભાવનગરના સેવાભાવી નાગરિકો QR કોડ સ્કેન કરી શ્રીવસ્ત્રાલયમાં પોતાના સાડીદાનની નોંધણી કરાવે એવી ડૉ. નિયતિબેન પંડ્યાએ અપીલ કરી છે.
શ્રીવસ્ત્રાલયના પ્રથમ વર્ષ દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ, સેવાભાવી આગેવાનો, દાતાઓ, કાર્યકર્તાઓ તથા પ્રકલ્પને સહયોગ આપનાર તમામ વ્યક્તિઓનો ડૉ. નિયતિબેન પંડ્યાએ આભાર માન્યો છે. ખાસ કરીને પ્રકલ્પની વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગ આપવા અને જરૂર પડ્યે સેવા આપવા માટે આગળ આવેલી 28 બહેનોનો પણ તેમણે વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.
ડૉ. નિયતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, “શ્રીવસ્ત્રાલયને મળેલી દરેક સાડી પાછળ કોઈ પરિવારની સેવા ભાવના જોડાયેલી છે અને જ્યારે એ સાડી કોઈ દીકરી કે બહેન સુધી પહોંચે છે ત્યારે એ માત્ર વસ્તુનું દાન નથી રહેતું, પરંતુ એક પરિવારની લાગણી બીજા પરિવારના શુભ પ્રસંગ સાથે જોડાય છે. એક વર્ષમાં ભાવનગરના લોકોએ જે વિશ્વાસ અને સહકાર આપ્યો છે એના કારણે આ પ્રકલ્પ આટલા મોટા પ્રમાણમાં લોકો સુધી પહોંચી શક્યો છે.”
લગ્ન કે અન્ય પ્રસંગ માટે ખરીદવામાં આવેલી અનેક સારી સાડીઓ થોડા વખત ઉપયોગ થયા પછી વર્ષો સુધી કબાટમાં પડી રહેતી હોય છે. આવી નવી કે સારી સ્થિતિમાં રહેલી ઓછી વપરાયેલી સાડીઓ શ્રીવસ્ત્રાલયમાં દાન આપી કોઈ જરૂરિયાતમંદ દીકરી કે બહેન માટે ઉપયોગી બનાવી શકાય છે.
શ્રીવસ્ત્રાલયમાં દાન નોંધાવવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ઓનલાઇન રાખવામાં આવી છે. દાન આપવા ઇચ્છતા પરિવારે www.NiyatiPandya.in વેબસાઇટ પર જઈ શ્રીવસ્ત્રાલયનું ફોર્મ ભરવાનું રહેશે. સફળ નોંધણી બાદ SMS અને WhatsApp દ્વારા confirmation message મળે છે. ત્યારબાદ ડૉ. નિયતિબેન પંડ્યા અથવા તેમના સેવા સાથીઓમાંથી કોઈ દાતાનો સંપર્ક કરશે અને તેમની અનુકૂળતાએ ઘરે આવી સાડીઓ એકત્ર કરી જશે.
શ્રીવસ્ત્રાલયના બીજા વર્ષમાં વધુમાં વધુ બહેનો, પરિવારો, સામાજિક સંસ્થાઓ અને સેવાભાવી લોકો આ પ્રકલ્પ સાથે જોડાય એવી અપીલ કરતાં ડૉ. નિયતિબેન પંડ્યાએ જણાવ્યું છે કે, “તમારા ઘરમાં ઉપયોગ વગર રહેલી સારી સાડી કોઈ જરૂરિયાતમંદ દીકરીના જીવનના ખૂબ અગત્યના પ્રસંગની ખુશી બની શકે છે. ભાવનગરના દરેક પરિવારને શ્રી વસ્ત્રાલય માટે ઓછામાં ઓછી એક સારી સાડીનું દાન નોંધાવવા મારી અપીલ છે.”
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
