<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

ભાવનગરના ઊંચા કોટડા બીચ પર મોજમસ્તી ભારે પડી: રેતીમાં ફસાયેલી બે કાર અને સુપર કેરીને ટ્રેક્ટરની મદદથી રેસ્ક્યૂ કરાઈ

દરિયાકિનારે સુરક્ષાકર્મીઓની ગેરહાજરી અને પ્રવાસીઓની બેદરકારીને કારણે સર્જાઈ ગંભીર સ્થિતિ, ગ્રામજનોની મદદથી ટળ્યો મોટો અનર્થ

મહુવા : ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઊંચા કોટડા બીચ પર મોજમસ્તીના જોશમાં પ્રવાસીઓએ ભાન ભૂલીને પોતાના વાહનો સીધા દરિયાની ભીની રેતીમાં હંકારી મૂકતા મોટી દુર્ઘટના સર્જાતા સહેજ માટે ટળી હતી. દરિયાના મોજાં નજીક આવતા જ કાદવ જેવી પોચી રેતીમાં બે લક્ઝુરિયસ કાર ગળાડૂબ ફસાઈ ગઈ હતી, જેના કારણે પ્રવાસીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા અને સ્થળ પર ભારે અફરાતફરી મચી ગઈ હતી.

પરિસ્થિતિ વધુ વણસતા પ્રવાસીઓએ અન્ય એક સુપર કેરી વાહનને દોરડા બાંધીને બહાર ખેંચવા માટે બોલાવ્યું હતું, પરંતુ ભારે વજન અને પોચી રેતીના કારણે મદદ માટે આવેલું તે વાહન પણ અંદર ખૂંપી ગયું હતું. જેમ જેમ દરિયાના મોજાં નજીક આવી રહ્યા હતા તેમ તેમ સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આખરે ગ્રામજનો અને સ્થાનિક ખેડૂતો મદદે દોડી આવ્યા હતા અને હેવી ડ્યુટી ટ્રેક્ટર લાવીને કલાકોની ભારે જહેમત બાદ ત્રણેય વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

આ સમગ્ર નાટ્યાત્મક ઘટના બાદ ધાર્મિક અને પ્રવાસન સ્થળો પર પ્રશાસનની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. આ લોકપ્રિય બીચ પર કોઈ હોમગાર્ડ, પોલીસ જવાન કે લાઈફગાર્ડ તહેનાત ન હોવાના કારણે પ્રવાસીઓ બેરોકટોક પાણી સુધી વાહનો લઈ જાય છે, જેના લીધે અગાઉ પણ અનેક વખત લોકો મુશ્કેલીમાં મુકાઈ ચૂક્યા છે. સુરક્ષાકર્મીઓની ગેરહાજરી અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક શ્રદ્ધાળુઓ અને નાગરિકોમાં ભારે રોષ ફેલાયો છે.

આ ઘટનાના પગલે હવે સ્થાનિક જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા વહીવટી તંત્ર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે બીચના પ્રવેશદ્વાર પર કાયમી બેરિકેડ્સ મૂકીને ખાનગી વાહનોના પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ. સાથે જ નિયમોનો સરેઆમ ભંગ કરતા આવા બેદરકાર પ્રવાસીઓ સામે કડક દંડ અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.

(11:07 PM IST)