<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

ભાવનગર SOG ટીમનો સપાટો :ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસેથી 5 બાંગલાદેશી મહિલાઓને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધી

. પોલીસે પાંચેય મહિલાની ધરપકડ કરી ગેરકાયદે ઘૂસણખોરીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધખોળ માટે તપાસ તેજ કરી

ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમે શહેરના ચિત્રા માર્કેટિંગ યાર્ડ વિસ્તારમાં 5 મહિલાઓને શંસ્પદ હાલતમાં ઝડપી પાડતાં ખળભળાટ મચી ગયો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તમામ મહિલાઓ બાંગ્લાદેશી છે. જેથી પોલીસે તમામને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી જાણકારી અનુસાર ભાવનગર એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે ચિત્રા માર્કેટિંગ યાર્ડ પાસે કેટલીક મહિલાઓ શંકાસ્પદ મહિલાઓ રહે છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને તપાસ હાથ ધરતા પાંચ મહિલાઓને અટકાયતમાં લીધી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ મહિલાઓ સંતોષકારક જવાબ આપી શકી ન હતી, જેથી પોલીસે તેમની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી. અંતે તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ તમામ મહિલાઓ ગેરકાયદેસર રીતે ભારતીય સરહદ ઓળંગીને અહીં આવી હતી અને વસવાટ કરી રહી હતી. આ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશી સીમકાર્ડ મળી આવ્યા છે.

પોલીસ તપાસમાં પકડાયેલી પાંચેય મહિલાઓએ પોતે બાંગ્લાદેશી હોવાની કબૂલાત કરી  છે. પોલીસે તેમની પાસેથી બાંગ્લાદેશી દસ્તાવેજો પણ કબજે કર્યા છે, જે સાબિત કરે છે કે તેઓ મૂળ બાંગ્લાદેશી છે. ધરપકડ કરાયેલી મહિલાઓમાં પાખી ખાનમ (ઉ.વ.22), રીમા અખ્તર ઉર્ફે લીલી (ઉ.વ.35), લાખી બેગમ (ઉ.વ.35), સુબરના બેગમ (ઉ.વ.39), લેબીના ખાનમ (ઉ.વ.33) નો સમાવેશ થાય છે. આ મહિલાઓ કેટલા સમયથી ભાવનગરમાં રહી રહી હતી અને તેમનો હેતુ શું હતો, તે દિશામાં હવે પોલીસે તપાસ તેજ કરી છે. સરહદ ઓળંગીને છેક ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા સુધી તેઓ કેવી રીતે પહોંચ્યા તે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.

(8:57 PM IST)