<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th October 2026

ભાવનગરના પ્‍લાનીંગ આસી. ૯ લાખ અને અમરેલીમાં ૫૧ હજારની લાંચ લેતા ઇરીગેશનના બે કર્મચારીઓ પકડાયા

સૌરાષ્‍ટ્ર ઝોનમાં એસીબીના વડા બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ૩ દિ'માં ૩ લાંચના છટકાની લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ

રાજકોટ તા. ર૮: ભાવનગરમાં પ્‍લાનીંગ આસીસ્‍ટન્‍ટ ૯ લાખ અને અમરેલીમાં ઇરીગેશન ખાતાના બે કર્મચારીઓ પ૧ હજારની લાંચ લેતા પકડાઇ ગયા છે. સૌરાષ્‍ટ્ર ઝોનના એસીબીના વડા બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ત્રણ દિ'માં ત્રણ લાંચના છટકાની લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ વ્‍યાપી ગયો છે.

પ્રથમ દરોડામાં ભાવનગરના પ્રતિનિધી મેઘના હિરાણીના અહેવાલ મુજબ શામપરા સિદસર ગામે જમીન ધરાવતા એક ખેડૂત પોતાની જમીનને બિનખેતીમાં ફેરવવા માટે છેલ્લા દોઢ વર્ષથી ‘‘બાડા'' કચેરીના ધક્કા ખાતા હતા. પેન્‍ડિંગ રહેલી ફાઈલને મંજૂર કરાવવા માટે ‘‘બાડા'' વિભાગમાં ફરજ બજાવતા આઉટર્સોસિંગ પ્‍લાનિંગ આસિસ્‍ટન્‍ટ મિતુલ જગદીશભાઈ પાનસીણિયાએ ઉપરી અધિકારી પાસે ફાઈલ મંજૂર કરાવવાના નામે શરૂઆતમાં રૂ. ૧૫ લાખની લાંચ માગી હતી. કચેરીના ધક્કા ખાઈને કંટાળેલા ખેડૂતે કર્મચારી સાથે રકઝક કર્યા બાદ અંતે રૂ. ૧૨ લાખ આપવાનું નક્કી કર્યું હતું. કર્મચારી આ રકમ લેવા સંમત થયો હતો અને શહેરના કાળિયાબીડ પાણીની ટાંકી પાસે લાંચની રકમ આપવાનું જણાવ્‍યું હતું.

જોકે, ખેડૂત લાંચની રકમ આપવા માંગતા ન હોય તેમણે આ અંગે ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. એ.સી.બી.ની ટીમે અલ્‍કાપુરી સોસાયટી, ટાણા ચોકડી પાસે (તા. સિહોર) પાણીની ટાંકી નજીક સફળ છટકું ગોઠવ્‍યું હતું. જ્‍યાં રૂ. ૯ લાખનો પહેલો હપ્તો લેવા આવેલા પ્‍લાનિંગ આસિસ્‍ટન્‍ટ મિતુલ જગદીશભાઈ પાનસીણિયાને એ.સી.બી.ની ટીમે રંગેહાથ ઝડપી લીધા હતા. આ ઘટનાને પગલે ‘‘બાડા'' વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે અને એ.સી.બી. પોલીસે ઓડિયો સહિતના મહત્‍વના પુરાવા કબ્‍જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બીજા દરોડામાં અમરેલી એસીબીએ અમરેલી બહુમાળી ભવનના સી વીંગ ત્રીજા માળે ટ્રેપ ગોઠવી ૫૧ હજારની લાંચ લેતા ઇરીગેશન ખાતાના જુનીયર કલાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ (ઉ.વ.૫૦) રે.લાઠી રોડ રોયલ પાર્ક સોસાયટી બ્‍લોક નં.જી-ર અમરેલી તથા કરાર આધારીત પટ્ટાવાળા જયદીપ ચતુરભાઇ હરીયાણી રે.લાઠી રોડ બ્રાહ્મ સોસાયટી શેરી નં.૫ આરોપીને રંગે હાથે ઝડપી લીધા હતા.

ફરીયાદીશ્રીને ઇરીગેશન વિભાગ,અમરેલી તરફથી વર્ષ-૨૦૨૫-૨૦૨૬ માં અલગ અલગ બાંઘકામો માટે વર્ક ઓર્ડર મળેલ હતા. જે વર્ક ઓર્ડર મુજબ કામગીરી પુર્ણ કરતા ફરીયાદી ની કંસ્‍ટ્રરક્‍શન કંપની ના એકાઉન્‍ટમાં બીલના નાણા જમા થયેલ અને ફરીયાદી ના બીલના બાકી ના નાણા તથા બાંઘકામમાં વાપરેલ મટ્રીરીયલ્‍સ ટેસ્‍ટીંગ બીલના નાણા મંજુર કરવાના બાકી હતા.જે બાકી ના બીલના નાણા મંજુર કરવા ના બદલા માં અગાઉ ચુકવણી કરેલ બીલની રકમના એક ટકા લેખે આરોપી નંબર- ૦૧ નાઓએ રૂપિયાઃ-૫૧,૦૦૦/- લાંચની માંગણી કરેલ હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય તેઓએ અમરેલી એ.સી.બી પોલીસ સ્‍ટેશન ખાતે રૂબરૂ આવી ફરીયાદ આપેલ હતી.

જે ફરીયાદ આધારે આજરોજ લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્‍યાન નંબર-૧ ના કહેવાથી આક્ષેપિત નંબર- ૦૨ નાઓએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૫૧,૦૦૦/- સ્‍વીકારી લઇ બન્ને આક્ષેપિતો પકડાઇ જઈ ગુન્‍હો કરેલ છે.

આ કાર્યવાહી ડી.બી.ડાભી, પોલીસ ઇન્‍સ્‍પેકટર, અમરેલી એ.સી.બી. પો.સ્‍ટે. તથા એ.સી.બી. સ્‍ટાફ અમરેલીએ કરી હતી.

બે દિ' પૂર્વે રાજકોટ એસીબીના પી.આઇ. મહેન્‍દ્રસિંહ રાણા તથા સ્‍ટાફે પીજીવીસીએલ ચોટીલા કચેરીના હેલ્‍પર બીપીનભાઇ ભરતભાઇ પારેજીયાને ૬૦ હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.

(11:30 AM IST)