News of Thursday, 15th October 2026
ભાવનગર: તળાજા APMC માં કપાસના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સફેદ સોનાનો ભાવ પ્રતિ મણ 2000 રૂપિયાને પાર, દિવાળી પહેલા ખેડૂતોની દિવાળી સુધરી
ચાલુ વર્ષે માવઠા વગર ઉત્તમ ગુણવત્તાનો કપાસ તૈયાર થતા બજારમાં ભારે માંગ, પારદર્શક હરાજી અને રોકડ ચૂકવણીથી યાર્ડમાં વાહનોની લાંબી કતારો, તળાજા પંથકના ગ્રામીણ ખેડૂતો માલામાલ

ભાવનગર/તળાજા, તા. 15 : ભાવનગર જિલ્લાના મુખ્ય વેપારી મથક તળાજા માર્કેટિંગ યાર્ડમાં ખેતીના 'સફેદ સોના' તરીકે ઓળખાતા કપાસના ભાવમાં મોટી તેજી જોવા મળી છે. દિવાળીના તહેવારો ટાણે જ કપાસના ભાવ પ્રતિ મણ (20 કિલો) 2000 રૂપિયાના મહત્વના આંકને વટાવી જતાં ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
માર્કેટિંગ યાર્ડ અને કૃષિ નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કપાસના પાક દરમિયાન વાતાવરણ અનુકૂળ રહ્યું હતું. પાક તૈયાર થવાના અંતિમ તબક્કામાં કમોસમી વરસાદ કે માવઠું ન પડતા કપાસના જીંડવા અને રૂની ગુણવત્તાને કોઈ નુકસાન થયું નથી. કપાસ સફેદ, ચમકદાર અને ડાઘ વગરનો હોવાથી બજારમાં તેની ભારે માંગ છે.
તળાજા APMC માં શ્રેષ્ઠ ગુણવત્તાના કપાસના ભાવ 2000 રૂપિયાથી વધુ બોલાયા હતા. ગઈકાલે રાજ્યના અન્ય યાર્ડ જેમ કે જેતપુરમાં 2100, ધારીમાં 2031, ભેસાણમાં 2030 સુધી ભાવ બોલાયો હતો, જેમાં તળાજા પણ 2000 ની સપાટીએ પહોંચ્યું છે.
યોગ્ય વજન, પારદર્શક હરાજી અને તાત્કાલિક રોકડ ચૂકવણીની સુવિધાને કારણે યાર્ડમાં કપાસ ભરેલા વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. તળાજા સહિત આસપાસના ગ્રામીણ પંથકના ખેડૂતો બિયારણ, ખાતર અને મજૂરીનો ખર્ચ કાઢ્યા બાદ પણ સારો નફો મેળવી રહ્યા છે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને દિવાળી પહેલા જ ખેડૂતોની દિવાળી રોશન બની છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
