News of Thursday, 23rd July 2026
'અકિલા' સાથેની વાતચીતમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેનો મોટો ખુલાસો : રેન્જ વડા રાજેન્દ્ર અસારી અને એસ.પી. નિતેશ પાંડેના માર્ગદર્શનમાં એ.એસ.પી. ઘનશ્યામ ગૌતમ અને ટિમ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા જોખમાવતી પ્રવૃત્તિનો પરદાફાશ : મૌલાના મહમદ સફીક અબ્બાસભાઈ મહેડીયા ઝબ્બે
ધાર્મિક ઉન્માદ ઉભો કરી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય તેવું કૃત્ય ધ્યાને આવતા અમારી ટીમ એક્શનમાં આવેલ - નિતેશ પાંડે : વરતેજ પોલીસ સ્ટેશનમાં મૌલાના સામે ગુનો દાખલ : એન્ટિ રેડિકલાઇઝેશન સેલ દ્વારા તપાસ તેજ

રાજકોટ : ભાવનગર જિલ્લામાં ધાર્મિક ઉન્માદ ઊભો કરી રાષ્ટ્રીય સુરક્ષા જોખમાય તેવું કૃત્ય ધ્યાને આવતાં જ પોલીસ તંત્ર ત્વરિત એક્શનમાં આવ્યું હતું. 'અકિલા' સાથેની ખાસ વાતચીતમાં ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ જણાવ્યું હતું કે, ધાર્મિક ઉન્માદ ફેલાવી દેશની સુરક્ષા સામે ખતરો ઊભો કરવાનું કૃત્ય સામે આવતાં જ અમારી ટીમે ત્વરિત અને સઘન કામગીરી હાથ ધરીને આ સમગ્ર ષડયંત્રની ભીતરી કથા પરથી પરદો ઊંચક્યો છે. ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્ર અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર ગ્રામ્ય મદદનીશ પોલીસ અધિક્ષક ઘનશ્યામ ગૌતમ, ગ્રામ્ય ડીવીઝનના થાણા અધિકારીઓ અને એસ.ઓ.જી. શાખાની ટીમે સીદસર (શામપરા) વિસ્તારમાં આવેલ ૨૫ વારીયા હાઉસીંગ વસાહતમાં સંયુક્ત કૉર્ડન એન્ડ સર્ચ ઓપરેશન (CASO) હાથ ધરી આ મોટું સફળ ઓપરેશન પાર પાડ્યું હતું.
૨૧ જુલાઈએ ચેકિંગ દરમિયાન મૌલાના સામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છતી થઈ:
પોલીસ દ્વારા ગત તા. ૨૧ જુલાઈના રોજ હાથ ધરવામાં આવેલા ચેકિંગ ઓપરેશન દરમિયાન ધાર્મિક વૈમનસ્ય ફેલાવે, વિવિધ ધાર્મિક સમુદાયોની લાગણીઓને ઠેસ પહોંચાડે, રાષ્ટ્રીય એકતા તથા અખંડિતતાને નુકસાન પહોંચાડે અને રાષ્ટ્રીય પ્રતિકોનું અપમાન થાય તેવા ઉશ્કેરણીજનક લખાણો અને સાહિત્ય મળી આવ્યા હતા.
આરોપીની વિગત અને કાયદાકીય કાર્યવાહી:
પોલીસ ટીમે સ્થળ પરથી ઉશ્કેરણીજનક સામગ્રી સાથે આરોપી મહમદ સફીક અબ્બાસભાઈ મહેડીયા (ઉ.વ. ૨૬, ધંધો- મૌલાના, રહે. રૂમ નં. ૪૬, ૨૫ વારીયા, સીદસર (શા), તા. વરતેજ, જી. ભાવનગર, મૂળ રહે. બાદરગઢ ગામ, તા. પાલનપુર, જી. બનાસકાંઠા) ની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૬(૧)(એ), ૧૯૬(૧)(બી), ૧૯૬(૨), ૧૯૭(૧)(સી), ૧૯૭(૧)(ડી), ૧૯૭(૨), ૨૯૯, ૩(૫), ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની આગળની તપાસ એસ.ઓ.જી. ભાવનગરને સોંપવામાં આવી છે.
એન્ટિ રેડિકલાઇઝેશન સેલ દ્વારા કાઉન્સેલીંગ હાથ ધરાશે:
સરકાર દ્વારા દરેક જિલ્લામાં એન્ટિ રેડિકલાઇઝેશન સેલ કાર્યરત કરવામાં આવેલ છે. રાજ્ય સરકારની કટ્ટરપંથીકરણ (Radicalisation) સામેની નીતિ અન્વયે આવી ઘટનાઓમાં ભોગ બનનાર લોકો તથા પરિવારોને નિષ્ણાંતો સાથે મળીને તેમનું કાઉન્સેલીંગ કરવા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
(7:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
