<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

​જામનગરની ભવન્સ એચ.જે. દોશી કોલેજમાં ‘યંગ માઇન્ડ’ સેમિનાર સંપન્ન : વાલીઓને મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન

​સંતાનોના ગ્રેડ કરતાં તેમની સાથેના સંબંધો વધુ મહત્વપૂર્ણ : નિષ્ણાત મનોવૈજ્ઞાનિક હાર્દિકભાઈ ત્રિવેદી : વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કોલેજ અને વાલીઓ વચ્ચે સેતુરૂપ સંબંધ જરૂરી : પ્રિન્સિપાલ ડો. તૌસિફ ખાન પઠાણ

 (મુકુંદ બદિયાણી દ્વારા)​જામનગર તા 25 : જામનગર ખાતે આવેલી ભવન્સ શ્રી એચ.જે. દોશી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે વિશેષરૂપે ‘યંગ માઇન્ડ – અ પેરેન્ટ્સ રોડમેપ ટુ ચાઇલ્ડ સાયકોલોજી’ વિષયક માર્ગદર્શક સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢીની બદલાતી વિચારસરણી, બાળ મનોવિજ્ઞાન અને માતા-પિતા તથા સંતાનો વચ્ચેના પારિવારિક સંબંધોને વધુ સુદ્રઢ બનાવવાનો હતો.

​કાર્યક્રમના પ્રારંભે સંસ્થાના પ્રિન્સિપાલ ડો. તૌસિફ ખાન પઠાણે મુખ્ય વક્તા અને મનોવિજ્ઞાનના નિષ્ણાત શ્રી હાર્દિકભાઈ ત્રિવેદીનું સૂતરની આંટી પહેરાવી સ્વાગત કર્યું હતું તથા પવિત્ર શ્રીમદ્ ભગવદ્ ગીતા અર્પણ કરી સન્માનિત કર્યા હતા.

​કોલેજ વાલી અને વિદ્યાર્થીઓ વચ્ચે સેતુ સમાન: પ્રિન્સિપાલ ડો. તૌસિફ ખાન પઠાણ

આ પ્રસંગે પ્રિન્સિપાલ ડો. તૌસિફ ખાન પઠાણે જણાવ્યું હતું કે, કોલેજ માત્ર શૈક્ષણિક પદવી પૂરતી સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતર માટે સતત કટિબદ્ધ છે. કોલેજ વિદ્યાર્થી અને વાલીઓ વચ્ચે એક મહત્વપૂર્ણ સેતુ તરીકે ભૂમિકા ભજવે છે. વાલીઓએ રોજિંદા વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને બાળકો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવો જોઈએ અને તેમની સમસ્યાઓ તથા વિચારોને સમજવા જોઈએ, જેથી વિદ્યાર્થીઓનો માનસિક, સામાજિક અને વ્યક્તિત્વનો સંતુલિત વિકાસ થઈ શકે.

​જનરેશન ઝેડ (Gen Z) અને વાલીઓ વચ્ચે સંવાદ સેતુ જરૂરી: મનોવૈજ્ઞાનિક હાર્દિકભાઈ ત્રિવેદી

સેમિનારમાં મુખ્ય વક્તા હાર્દિકભાઈ ત્રિવેદીએ વાલીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, આજના ‘જનરેશન ઝેડ’ યુવાનોની વિચારસરણી અગાઉની પેઢીઓ કરતાં સાવ અલગ છે. તેઓ માત્ર પરંપરાગત વ્યવસાય કે સરકારી/સ્થિર નોકરીને જ સફળતા નથી માનતા, પરંતુ પોતાના રસ-રુચિ, સ્વતંત્રતા અને જીવનના સંતુલનને વિશેષ મહત્વ આપે છે. નવી ટેક્નોલોજીની મદદથી તેઓ ઓછા સમયમાં શ્રેષ્ઠ કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે.

​તેમણે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે, "માતા-પિતાએ બાળકોની સરખામણી અન્ય સાથે કરવાથી બચવું જોઈએ. પોતાના સપના સંતાનો પર થોપવાને બદલે તેમની પ્રતિભાને ઓળખી યોગ્ય દિશા આપવી જોઈએ. બાળકોના ગ્રેડ કે ટકાવારી કરતાં તેમની સાથેનો વિશ્વાસ અને સંબંધ વધુ અગત્યનો છે."

​કાર્યક્રમ દરમિયાન વાલીઓએ સંતાનોની માનસિકતા સમજવા તથા તેમની સાથે મિત્રતાપૂર્ણ સંવાદ સ્થાપવા અંગે વિસ્તૃત માર્ગદર્શન મેળવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સમાપન સંસ્થાના વાઇસ પ્રિન્સિપાલ ડો. રવિ ઓઝા દ્વારા આભારવિધિથી કરવામાં આવ્યું હતું.

​આ સેમિનારને સફળ બનાવવા માટે કોલેજના અધ્યાપકો સર્વશ્રી જિગ્નેશ જોશી, ડો. ભૂષણ જોશી, સ્વાતિ લાઠિયા, હિરક બુચ, ડોલી વડનગરા, વર્ષા કટારમલ, અકીલ મોરવડીયા અને બિન્દિયા વાઝા સહિતના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને જહેમત ઉઠાવી હતી.

(3:38 PM IST)