<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

વિસાવદરના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા ૯ માસથી નાસતા ફરતા આરોપી ભરતભાઇ ગોપાલભાઇ વોરાને પકડી પાડતી જુનાગઢ રેન્જ પોલીસ

પીઆઈ વાય.બી.રાણા તથા પીએસઆઈ આર.જી.ચુડાસમા અને બી.ડી.માવદિયાની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે મોટી મોણપરી ગામથી ઝડપી પાડ્યો

વીનું જોષી દ્વારા, જુનાગઢ: જુનાગઢ રેન્જમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ રાખવા અને ગંભીર ગુનાઓ આચરીને લાંબા સમયથી નાસતા-ફરતા અપરાધીઓને કાયદાના શાસન હેઠળ લાવવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ માર્ગદર્શન હેઠળ જુનાગઢ રેન્જ પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.રાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર આર.જી.ચુડાસમા, બી.ડી.માવદીયા તથા રેન્જ પોલીસ સ્ટાફ દ્વારા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

વિસાવદર પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો:
આ ઝુંબેશ દરમિયાન વિસાવદર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન કલમ ૬૫(ઇ), ૮૧ અને ૯૮(૨) મુજબના નોંધાયેલા ગુનાની તપાસમાં સહઆરોપી તરીકે ભરતભાઇ ગોપાલભાઇ વોરાનું નામ ખુલવા પામેલું હતું. મૂળ જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના વતની અને હાલ સુરત રહેતા ભરતભાઇ ગોપાલભાઇ વોરા (ઉ.વ. ૨૮) પોલીસ ધરપકડથી બચવા માટે છેલ્લા નવ માસથી સતત નાસતા-ફરતા ફરાર થઈ ગયા હતા.

ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પર્દાફાશ:
આરોપીને ઝડપી પાડવા માટે રેન્જ સ્ક્વોડ અને પોલીસ ટીમ દ્વારા સતત વર્કઆઉટ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન જુનાગઢ રેન્જ ઓફિસ સ્ટાફને મળેલી ચોક્કસ ખાનગી બાતમી તેમજ આધુનિક ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના સચોટ સમન્વયના આધારે જાણવા મળ્યું હતું કે નાસતો ફરતો આરોપી પોતાના વતન મોટી મોણપરી ગામ ખાતે આવ્યો છે. આ બાતમીના આધારે રેન્જ સ્ટાફની ટીમ દ્વારા ત્વરિત કાયદાકીય કાર્યવાહી હાથ ધરીને વ્યુહાત્મક આયોજન સાથે મોટી મોણપરી ગામમાંથી આરોપી ભરતભાઇ ગોપાલભાઇ વોરાને દબોચી લેવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.

પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ:
આ સફળ અને સરાહનીય કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓમાં પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.રાણા, પો.સ.ઇ. આર.જી.ચુડાસમા, પીએસઆઈ બી.ડી.માવદિયા તેમજ એ.એસ.આઇ. ગજેન્દ્રસીંહ ઇન્દ્રસીંહ, પો.કોન્સ. પ્રવીણસિંહ પીઠાભાઇ, જીતેન્દ્રભાઇ દેસાભાઇ અને અરવિંદભાઇ રસિકભાઇ સહિતનો સ્ટાફ સામેલ હતો.

(8:25 PM IST)