<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

કચ્છની જી.કે. જનરલ હોસ્પિટલની રક્તદાન ઝુંબેશને સુંદર પ્રતિસાદ : એક મહિનામાં 900 બોટલ લોહી એકત્ર

સ્થાનિક કક્ષાએ 465 અને સંસ્થાઓના સહયોગથી 435 બોટલ લોહી ભેગું થયું : કાળઝાળ ગરમી અને લગ્નસરા વચ્ચે પણ રક્તદાતાઓ ઉમટ્યા

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૫ : અદાણી સંચાલિત કચ્છ જિલ્લાની મુખ્ય સરકારી હોસ્પિટલ જી. કે. જનરલ હોસ્પિટલની બ્લડબેંક મારફતે ચલાવવામાં આવેલી રક્તદાન ઝુંબેશને લોકોનો સુંદર પ્રતિસાદ મળ્યો છે. વીતેલા એપ્રિલ માસમાં કુલ 900 બ્લડ બેગ્સ એકત્ર કરવામાં આવી છે.

 

બ્લડબેંકના હેડ ડૉ. જિગ્નાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વર્ષ દરમિયાન સામાજિક સંસ્થાઓ દ્વારા અને ઈન્હાઉસ અંતર્ગત હોસ્પિટલ માટે જરૂરી રક્ત મળી રહે છે. પરંતુ આ વખતે એક બાજુ લગ્નસરાની સિઝન અને બીજી તરફ કાળઝાળ ગરમી હોવા છતાં બ્લડબેંક દ્વારા સ્થાનિક કક્ષાએ રક્તદાન માટે લોકો પ્રેરિત થાય એ માટે ઝુંબેશ શરૂ કરાઈ હતી. પરિણામે ઈન હાઉસમાં 465 ઉપરાંત સંસ્થાઓના સહયોગથી બીજી 435 બોટલ લોહી ભેગું થતા કુલ 900 બ્લડ બેગ્સ હોસ્પિટલ માટે મેળવી શકાઈ છે.

 

બ્લડ બેંકના કાઉન્સેલર દર્શન રાવલે માહિતી આપતા જણાવ્યું કે, એપ્રિલ માસમાં પાંચ કેમ્પ યોજવામાં આવ્યા હતા. મમુઆરા ક્રિકેટ ક્લબ, નીરવ માણેક ટ્રસ્ટ અને વાગડ રઘુવંશી સમાજે બ્લડ એકત્રિત કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત મિત્રાંજલી ગ્રુપ, ચુનડી ગૌશાળા ટ્રસ્ટ અને ક્ષેત્રપાળ દાદા મંદિર દુર્ગાપુર સંસ્થાનો પણ સુંદર સહયોગ સાંપડ્યો હતો.

 

દુર્ઘટના, ગંભીર ઈજા, ભારે રક્તસ્ત્રાવ, મોટી સર્જરી, થેલેસેમીયાના દર્દીઓ તેમજ પ્રસૂતિ સહિત અનેક કિસ્સામાં લોહીની અત્યંત જરૂરિયાત ઉભી થતી હોવાથી જરૂરિયાતમંદના ઉપયોગ માટે રક્તદાતાઓને આગળ આવવા જી.કે. બ્લડબેંક દ્વારા અનુરોધ કરાયો છે.

 

_(વિનોદ ગાલા, ભુજ)_

(9:42 AM IST)