<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th July 2026

ગીરનો જંગ: અમરાપુરમાં શિકારની શોધમાં આવેલા સિંહોને આખલાઓએ આપ્યું જોરદાર ટક્કર, વીડિયો વાયરલ

વરસાદી રાત્રે ગ્રામ્ય વસ્તીમાં ઘૂસેલા બે સિંહોની આખલાઓ સામેની હિંમત ઠંડી પડી, સીસીટીવીમાં કેદ થઈ દુર્લભ ઘટના

અમરાપુર:ગીર પંથકના અમરાપુર ગામમાં ગત મોડી રાત્રે અઢી વાગ્યાના સુમારે શિકારની શોધમાં આવેલા બે સિંહોનો સામનો રસ્તા પર બેઠેલા બે આખલાઓ સાથે થતા દ્રશ્યો રોમાંચક બની ગયા હતા. ગામની ગલીમાં શિકારની તાકમાં ઘૂસેલા સિંહો જ્યારે આખલાઓની નજીક પહોંચ્યા, ત્યારે આખલાઓએ વળતો પ્રતિકાર કરતા સિંહોએ પીછેહટ કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમ એક રહેણાંક મકાનના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ જવા પામ્યો છે.

બે સિંહો જ્યારે શેરીમાં દાખલ થયા ત્યારે ત્યાં બે આખલાઓ આરામ કરી રહ્યા હતા. સિંહોએ હુમલો કરવાનો પ્રયાસ કરતા જ આખલાઓ પોતાની શક્તિના પ્રદર્શન સાથે ઉભા થઈ ગયા હતા. આખલાઓના આક્રમક તેવર જોઈને સિંહોએ લડાઈ કરવાનું ટાળ્યું હતું અને ત્યાંથી શાંતિપૂર્ણ રીતે આગળ નીકળી ગયા હતા. આગળ જતાં અન્ય ગાયો પણ ત્યાં બેઠી હતી, પરંતુ કોઈ પણ પ્રકારના શિકાર કર્યા વગર સિંહો ગામની સીમ તરફ રવાના થઈ ગયા હતા.

ગીર વિસ્તારમાં સિંહોનું માનવ વસ્તીમાં આવવું એ કોઈ નવી વાત નથી, પરંતુ આ પ્રકારના આમને-સામના દ્રશ્યો ખૂબ જ ઓછા જોવા મળે છે. ઘણીવાર સિંહો પાલતુ પશુઓનો શિકાર કરી જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં આખલાઓએ બતાવેલી સૂઝબૂઝ અને હિંમતને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

હાલમાં ગીર પંથકમાં વરસાદી માહોલને લીધે સિંહો ઘણીવાર ખોરાકની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભટકી જતા હોય છે. વન વિભાગ દ્વારા અગાઉ પણ ગ્રામજનોને રાત્રિના સમયે સાવચેત રહેવા અને પશુધનને સુરક્ષિત રાખવા સૂચનાઓ આપવામાં આવી છે. આગામી સમયમાં વનવિભાગ દ્વારા આવી ઘટનાઓ નિવારવા અને સિંહોના વસવાટ પર નજર રાખવા માટે ગામડાઓમાં પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી શક્યતા છે.

(11:28 AM IST)