તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
શરદપૂર્ણિમાના પરમ પવિત્ર પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે BAPS સ્વામિનારાયણ મંદિર મોરબીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન.
અભિજીત મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે મૂર્તિઓમાં પ્રાણ પુરાયા: મંદિરમાં અતિથિગૃહ, ભોજનશાળા અને સંસ્કાર કેન્દ્રની પણ સુવિધા. :આગામી ૪ તારીખ સુધી મહંતસ્વામી મહારાજ મોરબીમાં બિરાજમાન રહેશે

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : શરદપૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ એટલે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ આધ્યાત્મિક વારસદાર અને અનાદિ મૂળ અક્ષરમૂર્તિ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિન. આ શુભ અને પવિત્ર દિને મોરબી આંગણે નિર્માણ પામેલા ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો છે.
આ દિવ્ય મહોત્સવ અંતર્ગત આજે સવારે 10:30 વાગ્યે BAPS સંસ્થાના સદ્ગુરુ વર્યો અને વડીલ સંતોની પાવન ઉપસ્થિતિમાં વૈદોક્ત મંત્રોચ્ચાર અને મહાપૂજા દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મધ્યાહને 12:15 કલાકે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરમાં પધારીને પવિત્ર અભિજીત મુહૂર્તમાં ભગવાનની મૂર્તિઓમાં પ્રાણ પૂરીને પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરી હતી. આ દિવ્ય અવસરે સમગ્ર વિશ્વમાં શાંતિ અને સુખાકારી છવાઈ રહે તે માટે સંતો દ્વારા વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
મોરબીમાં નવનિર્મિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં અતિથિગૃહ, ભોજનશાળા અને સંસ્કાર કેન્દ્રની પણ સુવિધા.
અહીં અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા-કૃષ્ણ, રામ-સીતા-હનુમાનજી, મહાદેવ-પાર્વતી-ગણપતિજી સહિતના દેવતાઓની મૂર્તિઓ સ્થાપિત કરાઈ : મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશ-વિદેશથી ભાવિકો આવ્યા.
કલા કૌશલ્ય અને શિલ્પ સ્થાપત્યથી ભરપૂર આ મંદિરમાં 83 ફૂટ ઊંચાઈના પાંચ ગગનચુંબી શિખરો : વર્ષ 2001માં પૂ.પ્રમુખ સ્વામીએ મંદિરનો સંકલ્પ કર્યો, 2019માં પૂ.મહંત સ્વામીએ શિલાન્યાસ કર્યો, તેમના જ હસ્તે મૂર્તિપ્રતિષ્ઠા થઈ : પૂ.અપૂર્વમુનિ
મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થતા શરદ પૂર્ણિમાના પવિત્ર દિવસે તેનો લોકાર્પણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવ અંતર્ગત બે દિવસીય વિશ્વ શાંતિ મહાયજ્ઞ અને સાત કિલોમીટર લાંબી ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ઐતિહાસિક અને આધ્યાત્મિક પ્રસંગના સાક્ષી બન્યા હતા. જ્ઞાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વિના આ મંદિર તમામ લોકો માટે શાંતિ, સંસ્કાર અને સનાતન સંસ્કૃતિના દર્શનનું કેન્દ્ર બની રહેશે.
બીએપીએસ સંસ્થાના અપૂર્વમુનિ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, વર્ષ ર009માં પ્રમુખસ્વામી મહારાજે આ મંદિરનો સંકલ્પ કર્યો હતો, જેનો શિલાન્યાસ મહંતસ્વામી મહારાજ દ્વારા વર્ષ ર૦૧૯માં કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૫ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મહંતસ્વામી મહારાજના વરદ હસ્તે વૈદિક મહાપૂજા અને મંત્રોચ્ચાર સાથે આ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ છે. કલા કૌશલ્યથી સજ્જ આ મંદિરમાં ૮૩ ફૂટ ઊંચા પાંચ શિખરો છે અને મંદિરના આગળના ભાગમાં જ માણકી ઘોડી પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના દર્શન થાય છે. અહીં અક્ષર પુરુષોત્તમ મહારાજ, રાધા-કૃષ્ણ, રામ-સીતા-હનુમાનજી, મહાદેવ-પાર્વતી-ગણપતિજી સહિતના સર્વ દેવતાઓની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવી છે.
આ નૂતન મંદિર પરિસરમાં અતિથિગૃહ, ભોજનશાળા, તેમજ બાળકો અને યુવાનો માટે સંસ્કાર કેન્દ્રોની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે અને દર રવિવારે અહીં સંસ્કાર સભાનું આયોજન થશે. મહોત્સવના ભાગરૂપે સાંજે લોકાર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મંત્રીઓ, ધારાસભ્યો અને ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આફ્રિકા, અમેરિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા જેવા અનેક દેશોમાંથી ભક્તો મહોત્સવ માણવા મોરબી પધાર્યા હતા.
આગામી ૪ તારીખ સુધી મહંતસ્વામી મહારાજ મોરબીમાં બિરાજમાન રહેશે.
પૂ.અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ પણ શ્રદ્ધાળુઓ આ દિવ્ય માહોલનો અને સંતોના દર્શનનો લાભલઈ શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી ૪ તારીખ સુધી મહંતસ્વામી મહારાજ સ્વયં આ નૂતન મંદિર પરિસરમાં બિરાજમાન રહેવાના છે. જેથી મોરબી તેમજ આસપાસના વિસ્તારોના હજારો ભાવિક ભક્તો દર્શન સમાગમનો લાભ મેળવી શકશે. વિશ્વભરના પપ દેશોમાં ૧૮00થી વધુ મંદિરો ધરાવતી બીએપીએસ સંસ્થાનું આ નવું નજરાણું મોરબીના આંગણે શોભી રહ્યું છે
(9:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
