<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

બાંટવા નગરપાલિકા પ્રમુખ સુનીલ જેઠવાણી પર જીવલેણ હુમલો : ભર બજાર વચ્ચે લોખંડના પાઈપ અને લાકડી વડે સરેઆમ ફટકાર્યા

નગરપાલિકાએ ખોદેલા ખાડામાં બાળક પડવાની બાબતનો ખાર રાખી હુમલો :હુમલાખોરે છરીથી પણ વાર કરવાનો કર્યો નિષ્ફળ પ્રયાસ

જૂનાગઢ જિલ્લાના બાંટવા પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાંટવા નગરપાલિકાના પ્રમુખ સુનીલ જેઠવાણી પર ગામના જ એક શખ્સે જાહેરમાં લોખંડના પાઈપ અને લાકડી વડે હિંસક હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં હુમલાખોર સરેઆમ યુવકને ફટકારતો જોવા મળી રહ્યો છે

  પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરનો પુત્ર નગરપાલિકા  દ્વારા ખોદવામાં આવેલા એક ખાડામાં પડી જવાથી ઈજાગ્રસ્ત થયો હતો. આ બાબતનો ખાર રાખીને પિતાએ પ્રમુખ પાસે સારવારના પૈસાની માગ કરી હતી. બે દિવસ પહેલા પણ આ શખ્સે સુનીલ જેઠવાણીને અપશબ્દો કહી ધમકી આપી હતી. આજે ઉશ્કેરાયેલા શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો અને છરી વડે પણ વાર કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે સ્થાનિક લોકોએ સમયસૂચકતા વાપરી પ્રમુખનો જીવ બચાવ્યો હતો.

 

હુમલામાં ગંભીર ઈજાઓ પહોંચતા સુનીલ જેઠવાણીને તાત્કાલિક જૂનાગઢની હોસ્પિટલમાં  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. વહીવટી તંત્રના વડા પર થયેલા આ હુમલાથી રાજકીય આલમમાં પણ ખળભળાટ મચી ગયો છે. પોલીસે વીડિયોના આધારે તપાસ શરૂ કરી છે અને હુમલાખોર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ નગરપાલિકાના કામકાજ દરમિયાન સુરક્ષા અંગે પણ ગંભીર ચર્ચાઓ જગાવી છે.

.

(10:41 PM IST)