<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

જુનાગઢમાં નવરાત્રીમાં નોનવેજના વેચાણ પર પ્રતિબંધ મૂકોઃ વિધર્મી મુકત નવરાત્રીની વિશ્વ હિન્દુ પરિષદની માંગણી

સનાતન વૈદિક ધર્મના લોકોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગર વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ દિવસથી પૂનમ સુધી એટલે કે ૧૫ દિવસ માટે નોનવેજના વેચાણ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવેઃ કલેકટરને આવેદન

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ જૂનાગઢમાં નવરાત્રી પર્વને લઈને વિશ્વ હિન્દુ પરિષદ-જૂનાગઢ મહાનગર દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

તા. ૦૭-૧૦-૨૦૨૬ના રોજ અપાયેલા આવેદનપત્રમા VHPએ માંગ કરી છે કે, માં અંબાના પાવન નવરાત્રી પર્વ દરમિયાન સનાતન વૈદિક ધર્મના લોકોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મહાનગર વિસ્તારમાં નવરાત્રીના પ્રથમ દિવસથી પૂનમ સુધી એટલે કે ૧૫ દિવસ માટે નોનવેજના વેચાણ પર રાજ્યવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવે.

VHPના જણાવ્યા મુજબ, આ પ્રતિબંધ હેઠળ મટન, ચિકન, માછલી, ઈંડા તથા અન્ય નોનવેજ ખાદ્ય પદાર્થોના ખુલ્લા તથા પેક કરેલા વેચાણ પર, તેમજ નોનવેજ રેસ્ટોરાં, હોટેલ, લારી-ગલ્લા, દુકાનો, મોલ તથા ઓનલાઈન ડિલિવરી સેવાઓ દ્વારા વેચાણ/ડિલિવરી પર પણ પ્રતિબંધ લાગુ કરવો જોઈએ અને તે માટે સ્પષ્ટ જાહેરનામું બહાર પાડવું જોઈએ.

સાથે જ સંગઠને ખાસ કરીને નવરાત્રી આયોજનોમાં ગેર હિન્દુ પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા, માં અંબા સ્વરૃપા બહેન-દીકરીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવા અને લવજેહાદ રોકવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવા તથા રાત્રી દરમિયાન દરેક વિસ્તારમાં સઘન પેટ્રોલિગ કરવાની પણ માંગ કરી છે.

સરકાર દ્વારા આ અંગે રાજ્યવ્યાપી સત્તાવાર જાહેરનામું બહાર પાડી સ્થાનિક પ્રશાસનને તેના અમલ માટે જરૃરી સૂચનાઓ આપવામાં આવે અને નિયમના અમલ માટે ફરિયાદ/અમલ માટેની વ્યવસ્થા જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ માંગણીનો હેતુ નવરાત્રીના પવિત્ર દિવસોમાં ધાર્મિક આસ્થા અને લાગણીઓને ધ્યાનમાં રાખીને જાહેર વ્યવસ્થામાં તે મુજબની વ્યવસ્થા ઊભી કરવાનો હોવાનું જણાવ્યું છે.

આ રજૂઆત વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ અમિતભાઈ સોલંકી અને મંત્રી વિપુલભાઈ રાવત દ્વારા કરવામાં આવી છે.

(10:09 AM IST)