તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: આઈસર-બાઈક વચ્ચે ટક્કરમાં બે યુવાનોના ઘટનાસ્થળે મોત
વડોદરા જઈ રહેલા બે યુવાનોના મોતથી અરેરાટી : આઈસર ચાલક અકસ્માત સર્જી ફરાર : બગોદરા પોલીસે તપાસ હાથ ધરી

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૨ : બગોદરા નેશનલ હાઈવે પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અરણેજ ગામના પાટીયા પાસે આઈસર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક પર સવાર બે યુવાનોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બાઈક સવાર બે યુવાનો વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા આઈસરના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈપૂર્વક ચલાવી બાઈક પર ફેરવી દીધું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને યુવાનોના મૃતદેહ પણ છૂંદાઈ ગયા હતા.
મૃતકોની ઓળખ શૈલેષભાઈ પ્રવીણભાઈ તડવી અને કાંચનભાઈ સોમાભાઈ તડવી (બંને રહે. વાવ, તા. વાઘોડિયા, જી. વડોદરા) તરીકે થઈ છે.
ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. અકસ્માત સર્જી આઈસરનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો છે.
આ ગમખ્વાર અકસ્માતને પગલે બગોદરા હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પોલીસે ટ્રાફિકને પૂર્વવત કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે બગોદરા નેશનલ હાઈવે અકસ્માતોનું એપીસેન્ટર બન્યો છે. અહીં રોજબરોજ નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. પોલીસે આઈસર ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
