<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 14th May 2026

બાબરા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ૧૯મીએ

પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં થશે વરણી, ભાજપમાં દાવેદારો વચ્‍ચે ભારે રસાકસીઃ નગરપાલિકામાં ભાજપને બહુમતી મળતા પ્રમુખ પદ માટે સામાન્‍ય મહિલા ઉમેદવારની ચર્ચા તેજ

(દિપક કનૈયા દ્વારા) બાબરા તા.૧૪:  બાબરા શહેરમાં તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને સ્‍પષ્ટ બહુમતી મળતા હવે નગરપાલિકાની સત્તા રચનાને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. આવતી ૧૯ મેના રોજ પ્રાંત અધિકારીની ઉપસ્‍થિતિમાં નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા હાથ ધરાશે.

નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ભાજપના આગેવાનો અને ચૂંટાયેલા સભ્‍યોમાં ભારે ઉત્‍સુકતા જોવા મળી રહી છે. શહેરમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્‍યું છે અને કોણ પ્રમુખ તથા ઉપપ્રમુખ બનશે તે મુદ્દે અનેક અટકળો ચાલી રહી છે.

માહિતી મુજબ પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ સામાન્‍ય મહિલા માટે અનામત હોઈ શકે છે, જેના કારણે મહિલા દાવેદારોમાં પણ ભારે સક્રિયતા જોવા મળી રહી છે. ભાજપના વિવિધ દાવેદારોએ પક્ષના વરિષ્ઠ નેતાઓ અને સંગઠન સુધી પહોંચ વધારી પોતાની દાવેદારી મજબૂત બનાવવા એડીચોટીનું જોર લગાવ્‍યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રમુખ પદમાં ચર્ચા તો નામોની ચર્ચા મુજબ પુનમબેન જસાણી , રંજનબેન પરવાડીયા, સોનલબેન શિયાણી, અને શહેર ભાજપ મહામંત્રી જગદીશભાઈ વાવડીયાના પત્‍ની નું નામ પણ ચર્ચામાં જાગ્‍યું છે તેમજ યુવા ભાજપ પ્રમુખ હરેશ આગજા ના ધર્મપત્‍ની નું નામ પણ ચર્ચામાં છે તેવા વોર્ડ નંબર પાંચમાંથી વિજેતા થયા છે

આવતી ૧૯ મેના રોજ યોજાનારી વરણી પ્રક્રિયા બાદ બાબરા નગરપાલિકાના નવા સુકાની કોણ બનશે તેના પર સૌની નજર મંડાઈ છે.

 

(10:27 AM IST)