તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
કોડીનાર તાલુકાના અરણેજ ખાતે રૂ.1.52 કરોડના ખર્ચે નિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નું લોકાર્પણ કરતા શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા
64 લેબ ટેસ્ટ સહિત 378 પ્રકારની સેવાઓથી વડનગર, નવાગામ સહિત આસપાસના 9 ગામના ગ્રામજનોને ઉત્તમ આરોગ્ય સુવિધા મળશે : રૂ. 2.25 કરોડના ખર્ચે 5 પેટા આરોગ્ય કેન્દ્રનું પણ મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ

ગીર સોમનાથ તા.૨૫ : ‘સ્વસ્થ નાગરિક, સશક્ત સમાજ’ને લક્ષમાં રાખી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ ન્યૂરો સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન તથા રાજ્યની વિવિધ આરોગ્ય સંસ્થાઓનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ ઈ-લોકાર્પણમાં કોડીનાર તાલુકાના અરણેજમાં રૂ.1.52 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નો પણ સમાવેશ થાય છે. આ કડીમાં શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજાએ અરણેજ ખાતે ઉપસ્થિત રહી અત્યાધુનિક આરોગ્ય સેવાઓથી સજ્જ ‘આયુષ્માન આરોગ્ય મંદિર’નું લોકાર્પણ કર્યું હતું.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આપણી ભારતીય સંસ્કૃતિમાં ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ ની વિભાવના સમાયેલી છે. આજે આ ઈમારતનું માત્ર લોકાર્પણ નથી પરંતુ વ્યક્તિને તંદુરસ્ત રાખવા માટેના મંદિરનું નિર્માણ છે.
તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ સમગ્ર રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ વિકસી છે. અરણેજના 90% લોકોને આયુષ્માન કાર્ડ મળ્યા છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ ને અનુસરી દરેક વ્યક્તિએ આયુષ્માન કાર્ડ કઢાવવું અત્યંત જરૂરી છે.
આયુષ્માન આરોગ્ય મંદિર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અરણેજ સેજા હેઠળના પેઢાવાડા, વડનગર, નવાગામ સહિત કુલ 9 ગામોના ગ્રામજનોને 64 લેબ ટેસ્ટ સહિત 378 પ્રકારની સેવાઓ મળશે.
આ કેન્દ્રમાં માઈનોર ઓ.ટી., પ્રિ-ઓપરેટિવ રૂમ, લેબર રૂમ, અત્યાધુનિક લેબોરેટરી, મમતા ક્લિનિક, કોલ્ડ ચેઈન રૂમ, વિવિધ આયુષ સેવાઓ, ડ્રેસિંગ-ઈન્જેક્શન રૂમ, મેલ/ફિમેલ વોર્ડ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી છે.
આ સાથે જ મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. 2.25 કરોડના ખર્ચે કોડીનાર તાલુકાના વડનગર, સરખડી, રોણાજ, મીતિયાજ, આલિદર પેટા આરોગ્ય કેન્દ્રનું પણ ઈ-લોકાર્પણ કરાયું હતું, જે બદલ મંત્રીશ્રીએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સર્વેએ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતેથી પ્રસારિત મુખ્યમંત્રીશ્રીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ તકે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શારદાબહેન બાંભણિયા, કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી, પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી, અરણેજ સરપંચ રાયસીભાઈ પઢિયાર, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર એમ.આર.પઢિયાર સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(12:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
