તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 28th June 2026
યાત્રાધામ સોમનાથમાં જયપુરના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં તંત્ર એક્શન મોડમાં :શિવશક્તિ રેસ્ટોરન્ટ સીલ કરાયું
યાત્રીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યના મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને ટ્રસ્ટ દ્વારા બેદરકાર વેપારી સામે સત્વરે દાખલારૂપ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી

યાત્રાધામ સોમનાથમાં રાજસ્થાનના જયપુરથી દર્શનાર્થે આવેલા એક પ્રવાસી પરિવારના 9 બાળકોને ફૂડ પોઈઝનિંગ થવાની અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. સોમનાથ ટ્રસ્ટ હસ્તકના હાટ બજાર વિસ્તારમાં આવેલી 'શિવશક્તિ રેસ્ટોરન્ટ'માં નાસ્તો કર્યા બાદ આ બાળકોની તબિયત લથડી હતી. આ ઘટનાની જાણ થતાં જ સોમનાથ ટ્રસ્ટનું વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. યાત્રીઓની સુરક્ષા અને સ્વાસ્થ્યના મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને ટ્રસ્ટ દ્વારા બેદરકાર વેપારી સામે સત્વરે દાખલારૂપ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજસ્થાનના જયપુરથી સોમનાથ મહાદેવના દર્શને આવેલો એક પ્રવાસી પરિવાર હાટ બજાર વિસ્તારની મુલાકાતે હતો. અહીં આવેલી 'શિવશક્તિ રેસ્ટોરન્ટ' નામની ખાનગી દુકાનમાંથી બાળકોએ નાસ્તો કર્યો હતો. નાસ્તો કર્યાના થોડા જ સમયમાં તમામ 9 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થતાં ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ ઉઠી હતી. પવિત્ર યાત્રાધામમાં માસૂમ બાળકોના સ્વાસ્થ્ય સાથે થયેલી આ ગંભીર બેદરકારીના કારણે સ્થાનિક વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટમાં દોડધામ મચી ગઈ હતી.
યાત્રિકોના આરોગ્ય અને સલામતી સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવાની નીતિ ધરાવતા સોમનાથ ટ્રસ્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. ઘટનાની ગંભીરતાને સમજીને ટ્રસ્ટના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને જવાબદાર વેપારીની 'શિવશક્તિ રેસ્ટોરન્ટ'ને સમય બગાડ્યા વિના સીલ કરી દીધી હતી. ટ્રસ્ટ દ્વારા લેવાયેલા આ ત્વરિત પગલાંથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
સોમનાથ ટ્રસ્ટ દ્વારા લેવાયેલી આ સત્વરે કાર્યવાહી અન્ય વેપારીઓ માટે એક કડક સબક સમાન છે. ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન સોમનાથમાં આવતા પ્રવાસીઓના સ્વાસ્થ્ય સાથે રમત કરનારાઓને સાંખી લેવામાં નહીં આવે. આગામી સમયમાં પણ આવી બેદરકારી દાખવનાર સામે કાયદાકીય અને દંડાત્મક પગલાં લેવાનું ચાલુ રહેશે. હાલમાં અસરગ્રસ્ત બાળકોને જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
