<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st October 2026

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા અમરેલી જિલ્લાના પ્રવાસે : સ્વચ્છતા કાર્યક્રમમાં શ્રમદાન કર્યું, ખેડૂતો અને બૂથ કાર્યકર્તાઓ સાથે યોજી બેઠકો

સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત શ્રમદાન, પ્રગતિશીલ ખેડૂતની વાડીએ આધુનિક કૃષિ અંગે સંવાદ તથા બગસરા ખાતે કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી સંગઠનાત્મક ચર્ચા કરાઈ

ગાંધીનગર :ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની યાદી જણાવે છે કે, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન વિવિધ સેવાકીય, સંગઠનાત્મક તથા જનસંપર્કલક્ષી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યાં હતાં. વહેલી સવારે અમરેલી શહેર સ્થિત ગઢની રાંગ ખાતે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમરેલી ખાતે જગદીશભાઈ વિશ્વકર્માએ સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું હતું. આ પ્રસંગે તેમણે સ્વચ્છતા એ સૌની સામૂહિક જવાબદારી ગણાવી નાગરિકોને પોતાના ઘર, શેરી તથા આસપાસના જાહેર વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
અમરેલી જિલ્લાના અમરાપુર ગામે પ્રગતિશીલ ખેડૂત ધર્મેશભાઈ માંથુકિયાની વાડીની મુલાકાત લઈ જગદીશભાઈ વિશ્વકર્માએ ખેતી, પાક ઉત્પાદન તથા આધુનિક કૃષિ પદ્ધતિઓ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે તેમણે ખેડૂતો સાથે કૃષિ ક્ષેત્રે થઈ રહેલા નવીન પ્રયોગો, સિંચાઈ સુવિધાઓ, પાક ઉત્પાદન તથા ખેડૂતોની પ્રગતિ અંગે સંવાદ કર્યો હતો. કૃષિ ક્ષેત્રે આધુનિક પદ્ધતિઓ અને નવીન ટેકનોલોજીના ઉપયોગ થકી ખેડૂતો વધુ સશક્ત બને તે દિશામાં થઈ રહેલા પ્રયાસોની અંગે પણ તેઓએ સંવાદ કર્યો હતો.
કુકાવાવ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેરજીવનમાં ૨૫ વર્ષ પૂર્ણ થવા પર આયોજિત સેવા સંકલ્પ અભિયાન અન્વયે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિશ્વકર્માએ નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ સ્થળ પર જ સરળતાથી મળી રહે તે માટે કરવામાં આવેલી વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકાર તથા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્યની ભાજપા સરકાર જનસેવા, જનસુવિધા અને વિકાસના કાર્યો માટે કટિબદ્ધ હોવાનું વિશ્વકર્માએ જણાવ્યું હતું
બગસરા ખાતે બૂથ પ્રમુખો તથા કાર્યકર્તાઓ સાથે ટિફિન બેઠક યોજી જગદીશભાઈ વિશ્વકર્માએ કાર્યકર્તાઓ સાથે સહભોજન કરી સંગઠનાત્મક કામગીરી અંગે સીધો સંવાદ કર્યો હતો. તેમણે બૂથના કાર્યકર્તાઓને સંગઠનની મહત્વપૂર્ણ શક્તિ ગણાવી બૂથ સ્તરે સતત જનસંપર્ક જાળવવા, સરકારની જનકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડવા તેમજ લોકોની સમસ્યાઓ જાણી તેના નિરાકરણ માટે સક્રિય રહેવા માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ કાર્યકર્તાઓને ટીમ ભાવનાથી સાથે મળીને સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રેરિત કર્યા હતા.
અમરેલી ખાતે વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સંવાદ કરતા જગદીશભાઈ વિશ્વકર્માએ યુવાનોના વિચારો અને અભિપ્રાયો જાણ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં યુવા શક્તિની નિર્ણાયક ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે યુવાનોને પોતાની પ્રતિભા, ઊર્જા, કૌશલ્ય અને નવીન વિચારોના માધ્યમથી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં સક્રિય ભાગીદાર બનવા તથા આત્મનિર્ભર અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા યુવાનો માટે કરવામાં આવી રહેલી વિવિધ યુવાકેન્દ્રિત કામગીરી અંગે પણ તેમણે વિદ્યાર્થીઓ તથા યુવાનો સાથે વાર્તાલાપ કર્યો હતો. 
વિવિધ કાર્યક્રમો દરમિયાન રાજ્ય સરકારના મંત્રી કૌશિકભાઈ વેકરિયા, પ્રદેશ મહામંત્રી અનિરૂદ્ધભાઈ દવે, જિલ્લા ભાજપા પ્રમુખ અતુલભાઈ કાનાણી, પ્રભારી અભયસિંહ ચૌહાણ, સેવા સંકલ્પ અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જ બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિત ભાજપાના આગેવાનો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં હતાં

(11:27 PM IST)