<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd September 2026

જૂનાગઢમાં સાડાત્રણ લાખની લાંચ લેનાર શખ્‍સને રિમાન્‍ડ પર મેળવવા તજવીજ

૫.૨૫ લાખની માંગણી કરી હતી, જેમાંથી ૧.૭૫ લાખ લઇ લીધા હતા

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ તા. ૨૩,જૂનાગઢમાં ૩.૫૦ લાખની લાંચ લેતા ઝડપાયેલ શખ્‍સને લાંચ રુશવત વિરોધી બ્‍યુરોએ રિમાન્‍ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે.

 વિગતો એવી છે કે એક ફરીયાદીના ભત્રીજા વિરૂધ્‍ધ શહેરમાં મધુરમ બાયપાસ પર આવેલ વળંદાવનનગર સોસાયટી શેરી નંબર ૨માં રહેતા અને મજૂરી કામ કરતા કરશનભાઇ ઘેલાભાઇ સોલંકીએ જૂનાગઢ તાલુકાના એક ગૌચરમાં દબાણ કર્યા અંગેની તાલુકા વિકાસ અધિકારી કચેરીમાં અરજી કરી હતી.

 આ અરજી પાછી ખેંચી લેવા અને તલાટી કે તાલુકા વિકાસ અધિકારી કચેરી તરફથી કોઈ કાર્યવાહી ન થાય તેવી બાંહેધરી આપી, ફરીયાદી પાસેથી રૂપિયા ૫.૨૫ લાખની માંગણી કરી હતી, જે પૈકી પ્રથમ રૂપિયા ૨૫,૦૦૦ અને બાદમાં રૂપિયા ૧.૫૦ લાખ લઈ લીધા હતા. અને બાકીના રૂપિયા ૩.૫૦ લાખ મંગળવારે આપવાનો વાયદો કર્યો હતો. આ બાબતે ફરીયાદીની ફરીયાદ આધારે મંગળવારે શહેરના લીમડા ચોક, દિવાન ચોકની બાજુમાં રોડ પર લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

એસીબી જૂનાગઢ એકમની ટીમે લાંચના છટકા દરમ્‍યાન ૫૪ વર્ષીય કરસન સોલંકીને ફરીયાદી પાસેથી રૂપિયા ૩.૫૦ લાખની લાંચની રકમ સ્‍થળ પર સ્‍વીકારતા રંગેહાથ ઝડપી લઇ તેના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વધુ તપાસ, પૂછપરછ માટે આજે બપોર બાદ શખ્‍સને કોર્ટમાં રજુ કરી રિમાન્‍ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે

(1:12 PM IST)