News of Thursday, 18th June 2026
જેતપુર હાઈવે પર પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશિશ ભારે પડી : ડિવાઈડર કૂદવામાં આરોપી નીચે પટકાતા તેના પગમાં ફ્રેક્ચર થયું
પ્રોહિબિશન અને જુગારના ગુનામાં પકડાયેલા આરોપીએ બાથરૂમ જવાનું બહાનું કાઢી પોલીસને થાપ આપવા પ્રયાસ કર્યો :પોલીસે સતર્કતા દાખવી ઝડપી લીધો અને હાલ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયો

જેતપુર હાઈવે પર પોલીસ જાપ્તામાંથી ભાગવાની કોશિશ કરી રહેલા એક આરોપીને પ્રયાસ ખૂબ મોંઘો પડ્યો છે. પ્રોહિબિશન અને જુગારના ગુનામાં ધરપકડ કરાયેલા આ આરોપીએ પોલીસને ચકમો આપી ફરાર થવા માટે કરેલી સાહસિક કોશિશ તેના પગનું ફ્રેક્ચર લઈને આવી છે.
રાજકોટ ગ્રામ્ય LCBની ટીમ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે લઈ જઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર તેણે પોલીસને વિનંતી કરીને ગાડી ઊભી રખાવી હતી. 'બાથરૂમ જવું છે' તેવું બહાનું કાઢી તેણે ગાડીમાંથી ઉતરીને અચાનક દોટ મૂકી હતી.
પોલીસને ચકમો આપી ભાગવાની ઉતાવળમાં આરોપીનું ધ્યાન રસ્તા પર નહોતું. તે ડિવાઈડર કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેનું સંતુલન બગડ્યું અને તે નીચે પટકાયો હતો. ડિવાઈડર પરથી નીચે પડતાં આરોપીના પગમાં ગંભીર ફ્રેક્ચર થયું છે અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ પહોંચી છે.
ઘટના બનતાની સાથે જ LCB ની ટીમે ત્વરિત સતર્કતા દાખવી ઈજાગ્રસ્ત આરોપીને ફરીથી ઝડપી લીધો હતો. તેને પ્રાથમિક સારવાર માટે જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ઈજાની ગંભીરતા જોતા તબીબો દ્વારા તેને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યો છે. હાલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આરોપીની આસપાસ તૈનાત છે.
(12:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
